
પાકિસ્તાન કટ્ટરવાદ અને આતંકવાદમાં ડુબેલુ છે, UN માં ભારતે પડોશી દેશને બતાવ્યો અરીસો
નવી દિલ્હીઃ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પર્વતાનેની હરીશે ફરી એકવાર પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ હરીશે પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી છે. આ સાથે, તેમણે પડોશી દેશો સાથે સારા સંબંધો જાળવવા પર પણ ભાર મૂક્યો હતો. ન્યૂયોર્ક ખાતે યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પાર્વથાનેની હરીશએ જણાવ્યું હતું કે, “હું પણ પાકિસ્તાનના પ્રતિનિધિની ટિપ્પણીઓનો જવાબ આપવા માટે મજબૂર છું. એક તરફ ભારત છે, જે એક પરિપક્વ લોકશાહી, ઉભરતી અર્થવ્યવસ્થા અને બહુલવાદી અને સમાવેશી સમાજ છે. બીજી તરફ પાકિસ્તાન છે, જે કટ્ટરવાદ અને આતંકવાદમાં ડૂબેલું છે અને સતત IMF પાસેથી લોન લઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાની ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે એ સમજવું મહત્વપૂર્ણ છે કે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે જેનો સાર્વત્રિક રીતે આદર કરવો જોઈએ. તેમાંથી એક આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા છે. કાઉન્સિલના કોઈપણ સભ્ય માટે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે અસ્વીકાર્ય વર્તન કરીને ઉપદેશ આપવો યોગ્ય નથી. હરીશે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. તેમણે કહ્યું, “સારા પડોશીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરનારા અને સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશોએ તેની ભારે કિંમત ચૂકવવી પડશે.”
તેમણે કહ્યું કે, ભારતે આ આતંકવાદી હુમલાના જવાબમાં ‘ઓપરેશન સિંદૂર‘ શરૂ કર્યું હતું, જેના હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. હરીશે કહ્યું કે પાકિસ્તાનની વિનંતી પર, ભારતે તેના મુખ્ય ઉદ્દેશ્યો પ્રાપ્ત થયા પછી તેનું લશ્કરી ઓપરેશન બંધ કરી દીધું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત કોઈપણ સંજોગોમાં આતંકવાદને સહન કરશે નહીં. તેની સામે જે પણ જરૂરી પગલાં લેવા પડશે, તે લેવામાં આવશે. વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના મુદ્દા પર, તેમણે કહ્યું કે કોઈપણ વિવાદનો ઉકેલ પહેલા તેમાં સામેલ પક્ષો દ્વારા પરસ્પર વાતચીત અને તેમની પસંદગીની શાંતિપૂર્ણ પદ્ધતિઓ દ્વારા લાવવો જોઈએ. કોઈપણ સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ ત્યારે જ શક્ય છે જ્યારે તેમાં સામેલ દેશોની સંમતિ અને સક્રિય યોગદાન હોય. જો કોઈ દેશ સારા પડોશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય નિયમોની ભાવનાનું ઉલ્લંઘન કરે છે, તો તેણે તેની ગંભીર કિંમત ચૂકવવી જોઈએ.