ગાંધીનગર, 2 એપ્રિલ 2026: Man caught with pistol and 9 cartridges ગાંધીનગર જિલ્લાની ચિલાડા પોલીસને હિંમતનગર-અમદાવાદ હાઈવે આગમન હોટલની સામેના નાકા પોઇન્ટ પર વાહન ચેકીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર હથિયારના સોદાગરને લકઝરી બસમાંથી ઝડપી પાડ્યો હતો. આ અંગે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા ઉત્તર પ્રદેશના શખ્સ પાસેથી લોડેડ પિસ્ટલ અને 9 જીવતા કારતુસ સહિત અંદાજે 36 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ.જે. ચૌહાણની ટીમ દ્વારા ચંદ્રાલા ગામની સીમમાં આગમન હોટલ સામે હિંમતનગર તરફથી આવતા હાઈ-વે રોડ પર બેરીકેડ્સ મૂકી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન હિંમતનગર તરફથી આવતી બાબુ ટ્રાવેલ્સની બસને બાતમી આધારે અટકાવવામાં આવી હતી. બાદમાં બસના કંડક્ટરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ બસ દિલ્હીથી અમદાવાદના રૂટ પર પ્રવાસીઓને લઈને જઈ રહી છે. બાદમાં પોલીસ ટીમે બસની અંદર તપાસ કરતા સ્લીપિંગ કોચની સીટ નંબર R પર બેઠેલા પેસેન્જર પાસેથી કાળા કલરનો થેલો મળો આવ્યો હતો. જે થેલાની તલાશી લેતા કપડાંની વચ્ચે સંતાડેલું એક પૂંઠાનું બોક્સમાંથી એક હાથ બનાવટની પિસ્તોલ કી રૂ.25000 અને રૂ.900 ની કિંમતના નવ જીવતા કારતુસ ઉપરાંત બે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. જેના પગલે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શિવમસિંગ ચંદ્રભાનસિંગ રાજપુત હોવાનું જણાવ્યું હતું. તે મૂળ બિહારના સિવન જિલ્લાના ગુટની ગામનો વતની છે અને હાલ નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે રહે છે. હથિયાર રાખવા બાબતે આરોપી પાસે કોઈ કાયદેસરનું લાયસન્સ ન હોવાથી પોલીસે ગુનો નોધી આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો હેતુ શું હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


