પટનાઃ બિહાર પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમસ્તીપુરમાં વિશાળ જનસભાને સંબોધતા મહાગઠબંધન પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, બિહારમાં ફરી એક વાર NDA અને સુશાસનની સરકાર બનશે. મોદી કહ્યું કે, આ વખતે NDA પૂર્વના તમામ રેકોર્ડ તોડી, સૌથી મોટો જનાદેશ મેળવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,“લોકતંત્રના મહાપર્વનો શંખ ફૂંકાઈ ગયો છે, અને આખું બિહાર કહી રહ્યું છે કે, ફરી એક વાર NDA સરકાર, ફરી એક વાર સુશાસન સરકાર. બિહાર હવે જંગલરાજવાળાને દૂર રાખશે.”
મહાગઠબંધન વારંવાર NDA પર મુખ્યમંત્રી ચહેરાને લઈને પ્રહાર કરતું રહ્યું છે. તેનો જવાબ આપતાં મોદીએ કહ્યું કે NDAમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ જ જીત નક્કી છે અને જનતા તે અંગે નિશ્ચિત છે.
મોદીએ જણાવ્યું કે, આજે તેમના જીવનનો ખૂબ જ મહત્વનો દિવસ છે. “અહીં આવવા પહેલાં હું કર્પૂરી ગામ ગયો હતો, જ્યાં મેં ભારત રત્ન જનનાયક કર્પૂરી ઠાકુરજીને નમન કરવાની તક મળી હતી. એ તેમની કૃપા છે કે આજે મારી જેમ સામાન્ય પરિવારમાંથી આવેલો માણસ આ મંચ પર ઉભો છે.”
તેમણે કહ્યું કે, કર્પૂરી ઠાકુર ભારત માતાના અમૂલ્ય રત્ન હતા અને તેમને ભારત રત્ન આપવાનો સન્માન NDA સરકારને મળ્યો છે. “વંચિતોને વરીયતા, પછાતોને પ્રાથમિકતા અને ગરીબોની સેવા” એ જ NDAનો સંકલ્પ છે.
મોદીએ કહ્યું કે NDA સરકારે હંમેશાં ગરીબો, દલિતો, મહાદલિતો અને પછાતોના હિતને પ્રાથમિકતા આપી છે. “અમારી સરકારે સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણ આપ્યું છે અને SC-ST માટેના આરક્ષણને 10 વર્ષ માટે લંબાવ્યું છે.”
આ સાથે તેમણે RJD અને કોંગ્રેસ પર કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “આ લોકો હજારો કરોડના ભ્રષ્ટાચાર કેસોમાં જામીન પર છે. હવે તો જનનાયકની ઉપાધિની પણ ચોરીમાં લાગ્યા છે. બિહારના લોકો કદી પણ કર્પૂરી બાપુનો અપમાન સહન નહીં કરે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, RJD અને કોંગ્રેસને ફક્ત પોતાના પરિવારના રાજકીય ભવિષ્યની જ ચિંતા છે. “આ લોકો બિહારના યુવાઓને ખોટા વાયદાઓમાં ફસાવે છે. જ્યાં RJD હોય ત્યાં કાયદો અને વ્યવસ્થા રહે જ ન શકે. તેમના જંગલરાજે બિહારની અનેક પેઢીઓને બરબાદ કરી દીધી.”


