
- પીએમ મોદીનો અમદાવાદના એરપોર્ટથી 26મીએ રોડ શો યોજાશે
- ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આવી રહ્યા હોવાથી મોદીનું ભવ્ય સ્વાગત કરાશે
- વડાપ્રધાન કચ્છ, વડોદરા, દાહોદ અને જામનગરની મુલાકાત લેશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 26મીથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.26મીએ વડાપ્રધાન મોદી ખાસ વિમાનમાં 26મીએ અમદાવાદ એરપોર્ટ આવી પહેંચશે. અને અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાનનો રોડ શો યોજાશે. વડાપ્રધાન કચ્છ, જામનગર, વડોદરા, અને દાહોદની મુલાકાત લેશે. વડાપ્રધાન સિંદૂર ઓપરેશન બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાય 26મી અને 27મી એમ બે દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન કચ્છ, દાહોદ, વડોદરા અને જામનગર જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 26મીએ અમદાવાદમાં એરપોર્ટ સરદાર પટેલ સ્ટેચ્યુથી ઇન્દિરા સર્કલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે. દાહોદની મુલાકાત દરમિયાન પીએમ મોદીના હસ્તે રેલવેના 9000 હોર્સપાવર લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. પીએમે એપ્રિલ 2022માં 20 હજાર કરોડના આ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન કચ્છમાં માતાના મઢ, ભુજ-નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી શક્યતા છે. એરબેઝ ખાતે ફરજ બજાવતા જવાનો સાથે વડાપ્રધાન મુલાકાત કરશે. ભુજમાં જાહેરસભાને સંબોધે તેવી શક્યતા છે. જામનગરમાં વડાપ્રધાનના હસ્તે 94 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. ગોલ્ડન સિટી પાસેના આવાસ અને પાણીની પાઈપલાઈનનું લોકાર્પણનો સમાવેશ થાય છે. વડોદરામાં પીએમ કેટલાક વિકાસ કામોનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન મોદી અમદાવાદ, દાહોદ, ભૂજમાં આયોજીત કાર્યક્રમોમાં ઉપસ્થિતિ રહેશે. ત્યારે દાહોદ જતાં પહેલાં વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ બહાર મહિલાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવાનું આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, વડોદરાના મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું, ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડોદરા આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ખાતે તેમનું સન્માન અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજે બેઠક મળી હતી. આ માટે વડોદરા મહાનગર પાલિકા અને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. એરપોર્ટ ખાતે એક કિલોમીટર સુધી મહિલાઓ અને નગરજનો ઉભા રહી વડાપ્રધાનું સ્વાગત કરશે.