રાજકોટ, 16 જાન્યુઆરી 2026: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગત વર્ષે વિવિધ વિકાસના કામો માટે રૂપિયા 3100 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યુ હતું. પણ મ્યુનિના સત્તાધિશો 3100 કરોડમાંથી માત્ર 1400 કરોડના વિકાર કામો કરી શક્યા છે. નાણાનાં અભાવને લઈને અનેક યોજનાઓ ફાઇલોમાંથી બહાર જ નીકળી શકી નથી. એટલું જ નહીં મ્યુનિ.કોર્પોરેશનની તિજોરીના તળિયા દેખાતા આખરે અમૃત-2 યોજના સહિતના વિકાસલક્ષી કામોને વેગ આપવા માટે રૂ. 200 કરોડની લોન લેવાની ફરજ પડી છે.
સૂત્રોના કહેવા મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત નાણાકીય વર્ષ 2025-26 નું વાર્ષિક અંદાજપત્ર રૂ. 3100 કરોડનું મંજુર કરવામાં આવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવાને હવે ગણતરીના બે મહિના જ બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા માત્ર રૂ. 1400 કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે નાણાંના અભાવે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ કાગળ પર જ રહી ગઈ છે અથવા તો તેનું ‘બાળમરણ’ થયું છે. મ્યુનિની આર્થિક કમર તોડવામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનનો નવો કોન્ટ્રાક્ટ મુખ્ય કારણભૂત માનવામાં આવે છે. અગાઉ જે કામ વાર્ષિક રૂ. 35 કરોડના ખર્ચે થતું હતું, તેમાં રૂ. 90 કરોડનો જંગી વધારો કરીને વાર્ષિક ખર્ચ રૂ. 120 કરોડ પર પહોંચાડી દેવામાં આવ્યો છે. 10 વર્ષના આ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટમાં દર વર્ષે 5% નો વધારો નક્કી કરવામાં આવ્યો છે, જે મુજબ આગામી વર્ષોમાં આ ખર્ચ રૂ. 900 કરોડના આંકડાને આંબી જશે. એકબાજુ તંત્રએ 115 ન્યુસન્સ પોઈન્ટ નાબૂદ કરવાની યોજનાને નાણાંના અભાવે અભેરાઈએ ચડાવી દીધી છે,
ગતવર્ષના બજેટમાં વર્ષ 2024-25ની અનેક યોજના સામેલ કરવામાં આવી હતી. જોકે આ જાહેર કરાયેલી અનેક યોજનાઓ ફાઈલોમાં જ દબાયેલી છે. અધિકારીઓ પાસે પણ કદાચ આ યોજનાઓની પ્રગતિ અંગે કોઈ સ્પષ્ટ જવાબ નથી. આજી રિવરફ્રન્ટ, મોરબી રોડ પર નવું સ્મશાન ગૃહ, અને કિસાનપરા ચોકથી મહિલા કોલેજ સુધીનો વ્હાઇટ ટોપિંગ રોડ જેવી યોજનાઓના કામો થયા નથી.


