1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ-પક્ષીઓને ઠંડીથી બચાવવા વિશેષ વ્યવસ્થા
રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ-પક્ષીઓને ઠંડીથી બચાવવા વિશેષ વ્યવસ્થા

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ-પક્ષીઓને ઠંડીથી બચાવવા વિશેષ વ્યવસ્થા

0
Social Share

રાજકોટ, 11 જાન્યુઆરી 2026:  ગુજરાતભરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઠંડાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. લોકો તો ગરમ વસ્ત્રો પહેરીને ઠંડીથી રક્ષણ મેળવી લેતા હોય છે. પણ પશુ-પંખીઓની હાલત કફોડી બની છે. ત્યારે રાજકોટના પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ, વાઘ, દિપડા, રીંછ જેવા મોટા પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠા, ચિતલ અને કાળીયાર માટે સૂકા ઘાસની પથારી તો પક્ષીઓ માટે આર્ટિસ્ટિક ઘર બનાવવામાં આવ્યા છે, જેથી તેઓ ઠંડીથી રક્ષણ મેળવી શકે છે. શિયાળમાં પ્રાણીઓના ખોરાકમાં 15 ટકાનો વધારો પણ કરવામાં આવ્યો છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયો છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી 69 પ્રજાતિઓનાં કુલ 595 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય, છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધ્યુ છે, જેથી ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુસાર ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ છે.  જેમાં સિંહ, વાઘ, દિપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે, જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય. ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે, જેથી રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હુફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે. તેમજ સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેક્ટ્રીક લેમ્પ ગોઠવવામાં આવ્યો છે, જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે. જ્યારે માર્શ મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડમાં રાત્રિ દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે.

આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં 10થી 15 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લિલોચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયલ, સાપ વિગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયેલ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code