- હાઈવે પરથી પશુઓ હટાવવા માટે બનાવાશે વિશેષ ટીમ
- રખડતા કુતરાઓ મામલે રાજ્ય સરકારોને કોર્ટે કર્યો નિર્દેશ
- શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલો અને બસ-રેલવે સ્ટેશનો ઉપરથી હટાવાશે શ્વાન
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રખડતા કુરતા મામલે સુનાવણી દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહત્વનો નિર્દેશ કર્યો હતો. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, તમામ રખડતા પશુઓને રસ્તા, રાજ્ય હાઈવે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર હટાવવામાં આવે. સર્વોચ્ચ અદાલતે આ મામલે રાજ્યોની સાથે નેશનલ હાઈવે ઓથોરીટી અને નગરપાલિકાનોને પણ નિર્દેશ કર્યો છે. એટલું જ નહીં કોર્ટે નિર્દેશ કર્યો છે કે, પશુઓને હટાવવા માટે હાઈવેની એક ટીમ બનાવવી જોઈએ, જે પશુઓને પકડીને રસ્તા ઉપરથી હટાવવાની સાથે શેલ્ટર હોમ્સમાં રાખશે.
સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બસ અને રેલવે સ્ટેશનો ઉપરથી રખડતા કૂતરાઓને હટાવવામાં આવે અને તેમને શેલ્ટર હોમ્સમાં રાખવામાં આવે. તેમજ તેમને રસીકરણ બાદ જે તે વિસ્તારમાં પરત ના છોડવાનો નિર્દેશ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં રખડતા કુતરાઓનો ઉપદ્રવ વધ્યો છે. તેમજ રખડતા કુતરાઓને કારણે અકસ્માતની ઘટના પણ સામે આવી છે. આ ઉપરાંત કુરતા કરડવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન રખડતા કુતરાઓ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. તેમજ ગત સુનાવણીમાં રખડતા પશુઓ મામલે રાજ્ય સરકારોની કામગીરી અંગે પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે રખડતા પશુઓ મામલે મહત્વનો નિર્દેશ કર્યો છે.


