ગાંધીનગર,21 જાન્યુઆરી 2026: સુરતના કામરેજ તાલુકાના તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે બનાવેલી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ પાણી ભરીને ટેસ્ટિંગ દરમિયાન ધડાકા સાથે તૂટી પડતા આ બનાવની ગંભીર નોંધ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોષ વ્યક્ત કરીને જવાબદાર અધિકારીઓને ખખડાવ્યા હતા. દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ એમ.કે.દાસે એવું કહ્યું કે પાણીની ટાંકી પડયા બાદ જવાબદારોને સસ્પેન્ડ કર્યા છે. અને પોલીસ કેસ પણ કરાશે.
ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટની મિટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કામરેજ તાલુકાના તડકેશ્વર ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી પાણીની ટાંકી કડડભૂસ થવાને લઈ તંત્ર ઉપર રોષ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાણી પુરવઠાના અધિકારીઓને એવું કહ્યું હતું કે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. તેમજ નબળી કામગીરીને પણ નહીં ચલાવાય, જો આવું હશે તો કડક પગલાં ભરાશે. આ ચર્ચા દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ એમ.કે.દાસે એવું કહ્યું કે પાણીની ટાંકી પડયા બાદ જવાબદારોને સસ્પેન્ડ કર્યા છે. મુખ્યમંત્રીએ તમામ ડિપાર્ટમેન્ટોને દરેક કામમાં ખાસ કાળજી રાખવાની પણ શિખામણ આપી હતી.
આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માંડવી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ વિરુદ્ધ સરકારી નાણાંની છેતરપિંડી, વિશ્વાસઘાત અને મજૂરોને પહોંચેલી ઈજાઓ સંબંધિત BNS કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ ગુનો મે. જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રા. લિ., મહેસાણા અને તેમના જવાબદાર માણસો, બાબુભાઈ અંબાલાલ પટેલ, મહેસાણા અને તેમના જવાબદાર માણસો, પી.એમ.સી. એજન્સી માર્સ અને પ્લાનિંગ પ્રો. પ્રા. લિ., અમદાવાદના ટીમ લીડર અને સાઈટ એન્જિનિયર, તેમજ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર જય એસ. ચૌધરી અને કાર્યપાલક ઈજનેર અંકિત પી. ગરાસિયા સામે નોંધાયો છે.
આ મામલે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને નાયબ કાર્યપાલક એન્જિનિયર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક એન્જિનિયર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત, ટાંકી બનાવનાર એજન્સીના તમામ ચૂકવણા અટકાવી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે.


