
- એસપી રિંગ રોડ, નિકોલ સહિત 8 વોર્ડમાં 50 લાખથી વધુ મિલકતોનો સર્વે કરાશે
- એએમસીને પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થશે
- નવા વિસ્તારોમાં 4.75 લાખ જેટલી મિલકતો નોંધાય તેવી શક્યતા
અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. એએમસીની હદમાં નવી મકાનો બનતા જાય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા મિલકતોની આકારણી કરવામાં આવતી હોય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ, હાથીજણ, વસ્ત્રાલ, નિકોલ, વિરાટનગર, ઓઢવ, ભાઈપુરા, હાટકેશ્વર, અમરાઈવાડી અને ગોમતીપુર સહિતના વિસ્તારોના મિલકતોની આકારણી ટેક્સના વેલ્યુએશન વિભાગ દ્વારા કરવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં અંદાજિત 25000થી વધારે મિલકતો ચાલુ વર્ષે વધી છે, જેથી આકારણી થયા બાદ એએમસીને પૂર્વ ઝોનમાં 4.75 લાખ જેટલી અંદાજિત મિલકતો નોંધાય તેવી શક્યતા છે. જેનાથી એએમસીની આવકમાં પણ વધારો થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ ખાતાના વેલ્યુએશન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પૂર્વ ઝોનના સમગ્ર વિસ્તારની મિલકતોનું GPMC એક્ટ 1949માં થયેલી જોગવાઇ અનુસાર કાર્પેટ એરિયા બેઇઝ નવી ફોર્મ્યુલા મુજબ 2025-26ના વર્ષ દરમિયાન ચતુરવર્ષીય આકારણી (સર્વે/માપણી) કરવાની કામગીરી વેલ્યુએશન વિભાગ દ્વારા આગામી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. પૂર્વ ઝોન વિસ્તારમાં આવતા મિલકત ધારકોને મ્યુનિ. દ્વારા જાણ કરવામાં આવી છે કે, મિલકતની માપણી કરવા સ્થળ પર આવનારા મ્યુનિ. અધિકારીઓ-કર્મચારીઓને આપની મિલકતની માપણી કરવા દેવાની રહેશે. મિલકતને લગતી માહિતી-પુરાવા તૈયાર રાખી ફિલ્ડ સ્ટાફને સમયસર ઉપલબ્ધ કરાવી જરૂરી સહકાર આપવાનો રહેશે.
રહિશો પોતાની મિલકતોમાં રિડેવલપમેન્ટ, રિપેરિંગ અને નવું બાંધકામ કરતા હોય છે. ત્યારે મિલકતોના ક્ષેત્રફળ અને કાર્પેટ એરિયા સહિતમાં વધારો થતો હોય છે. મિલકતોમાં વધારો થતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત ધારકના ટેક્સની ગણતરી માટે આકારણી કરાતી હોય છે. એક અંદાજ મુજબ પૂર્વ ઝોન વિસ્તારમાં અંદાજિત 4.50 લાખ જેટલી મિલકતો આવેલી છે. એસપી રિંગ રોડ, નિકોલ, હાથીજણ અને વસ્ત્રાલની આસપાસના વિસ્તારોમાં અનેક નવી બિલ્ડિંગો બનીને તૈયાર થઈ ગઈ છે. નવી મિલકતોનો ઉમેરો અને કેટલાક મિલકતધારકો દ્વારા બાંધકામ તોડીને નવું પણ બનાવ્યું હોય છે, જેથી હવે નવી આકારણી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.