
લખનૌઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં મંગળવારની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે-34 પર ગોપી પુલ નજીક પૂરઝડપથી દોડતી કાર અને ટેન્કર વચ્ચે જોરદાર અથડામણ થતાં કારમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચમાંથી ચાર લોકોનાં ભુંજાયા હતા. જેમાં એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. ગંભીર રીતે દાઝેલી વ્યક્તિને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપી હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. અચાનક ટાયર ફાટી જતાં વાહન નિયંત્રણ ગુમાવી બેઠું અને ડિવાઈડર તોડીને સામે આવી રહેલા ટેન્કર સાથે ભીષણ ટક્કર ખાઈ હતી. અથડામણ એટલી ભયાનક હતી કે કારમાં તરત જ આગ લાગી ગઈ અને ક્ષણોમાં જ સમગ્ર વાહન લપેટાઈ ગયું હતું. કારની અંદર ફસાયેલા મુસાફરોને બહાર નીકળવાની તક જ મળી નહીં અને તેઓ જીવતા ભુંજાયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ અકારાબાદ થાનાની પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. લાંબી કવાયત બાદ આગને કાબૂમાં લેવામાં આવી અને મૃતદેહોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં આ દુર્ઘટનાથી શોકનું મોજું ફેલાયું છે. આ દૂર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોની ઓળખ મેળવવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.