1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિસાવદર નજીક બાઈકચાલકને બચાવવા જતા કાર ચબૂતરા સાથે અથડાતા બેના મોત
વિસાવદર નજીક બાઈકચાલકને બચાવવા જતા કાર ચબૂતરા સાથે અથડાતા બેના મોત

વિસાવદર નજીક બાઈકચાલકને બચાવવા જતા કાર ચબૂતરા સાથે અથડાતા બેના મોત

0
Social Share

જૂનાગઢ,15 જાન્યુઆરી 2026:  જિલ્લાના વિસાવદરના ચાપરડા ગામની સીમમાં પૂર ઝડપે આવેલી કારના ચાલકે બાઈકચાલકને બચાવવા જતા કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પક્ષીઓના ચબૂતરા સાથે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે.

આ બનાવની વિગત એવી છે કે,  જુનાગઢથી વિસાવદર જતા રોડ પર આજે પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડમાં આવેલા ચબૂતરા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર એક જ પરિવારના 6 સભ્ય પૈકી કિશોરભાઈ ગઢવી (ઉં.વ.40) સહિત બેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યા હતા. આ બનાવથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતમાં ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા. અને અકસ્માતની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

સ્થાનિક લોકોના કહેવા મુજબ ગઢવી પરિવાર પરિવાર કારમાં સવાર થઈને ચાપરડા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી એક બાઈકચાલક અચાનક આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરપાટ ઝડપે જતી કાર રસ્તાની બાજુમાં આવેલા પક્ષીઓના ચબૂતરા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ખેતરોમાંથી લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારનો કુરચો બોલી ગયો હોવાથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓના ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. અન્ય પાંચ લોકોને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ વિસાવદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code