1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના કડાકા સાથે પડ્યો કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાન
ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના કડાકા સાથે પડ્યો કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાન

ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના કડાકા સાથે પડ્યો કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાન

0
Social Share

અમદાવાદ, 20 માર્ચ 2026: Unseasonal rains  રાજ્યના હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી હતી.તે મુજબ બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે શુક્રવારે ગીર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુક્યા છે. ખાસ કરીને કેસર કેરીના બગીચાવાળા મુંઝાયા છે. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીની જેમ પાણી વહેતાં થયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. હજુ 24 કલાક રાજ્ય માથે વરસાદની ઘાત રહેલી છે. ગઈકાલે ગુરૂવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં 1 મિમીથી લઈને 41 મિમી સુધી વરસાદ પડ્યો હતો. જેમાં  સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં દોઢ ઈંચથી વધુ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ઝરમરથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. સાથે જ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણી જગ્યાએ ઝાડ પડી ગયા હતા તો ક્યાંક હોડિંગ પણ પડી ગયા હતા.

આજે શુક્રવારે ગીર પંથકના વાતાવરણમાં પલટો આવતા ઉના, ગીર ગઢડા અને તાલાલા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કમોસમી વરસાદને પગલે અનેક માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. જ્યારે માળીયા હાટીના તાલુકાના અકાળા, કાલીંભડા અને વિરડી સહિતના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના પાકને અસર થઈ છે. ગીર સોમનાથ જિલ્લો જે કેસર કેરી માટે જાણીતો છે, ત્યાં સિઝનના પ્રારંભે જ કમોસમી વરસાદ પડતા બગીચાના માલિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તૈયાર થઈ રહેલા આંબાના મોર અને નાની કેરીઓ ખરી જવાની શક્યતાને પગલે ખેડૂતો ભારે મુંઝવણમાં મુકાયા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 24 કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દિવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ ધીમે-ધીમે 3થી 5 ડિગ્રી તાપમાન વધી જશે અને ફરી ગરમી પડશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code