નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને આજે શુક્રવારે 150 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં સ્મરણ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસર પર તેમણે વિશેષ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કો પણ જાહેર કર્યો હતો. આ કાર્યક્રમ 7 નવેમ્બર 2025થી 7 નવેમ્બર 2026 સુધી દેશવ્યાપી રીતે ઉજવાશે. આ પ્રસંગ્રે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “વંદે માતરમ માત્ર શબ્દ નથી, એ એક મંત્ર છે, એક ઉર્જા છે, એક સ્વપ્ન છે, એક સંકલ્પ છે.”
તેમણે ઉમેર્યું કે આ રાષ્ટ્રગીત આપણો આત્મવિશ્વાસ વધારે છે અને રાષ્ટ્રને એક નવી દિશામાં આગળ ધપાવે છે. “વંદે માતરમ એ મા સરસ્વતીની આરાધના છે અને એ આપણા ભવિષ્યને હિંમત આપે છે,” એમ તેમણે જણાવ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે “વંદે માતરમ” શબ્દો આપણને ઈતિહાસની ગહન યાદ અપાવે છે, વર્તમાનને નવા આત્મવિશ્વાસથી ભરી દે છે અને ભવિષ્યને નવા વિશ્વાસથી પ્રેરિત કરે છે. “એવો કોઈ સંકલ્પ નથી જે સિદ્ધ ન થઈ શકે, એવો કોઈ લક્ષ્ય નથી જે ભારતીયો હાંસલ ન કરી શકે.”
સમારોહ દરમિયાન હજારો સ્વરો સાથેના આ સામૂહિક ગાનને વડાપ્રધાનએ “અવિસ્મરણીય અનુભવ” ગણાવ્યો હતો. વડાપ્રધાને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામી મહાનુભાવોને યાદ કરતાં કહ્યું હતું કે, “હું માતૃભૂમિના ત્યાગી, સૂરવીર સંતાનોને વંદન કરું છું જેમણે ‘વંદે માતરમ’ના આહ્વાન માટે જીવન સમર્પિત કર્યું.” તેમણે જણાવ્યું કે 7 નવેમ્બર 2025નો આ દિવસ ઈતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાશે. આ અવસરને સ્મરણાર્થ આજે વંદે માતરમ પર વિશેષ ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો છે. મોદીએ કહ્યું કે, ગુલામીના યુગમાં “વંદે માતરમ” એ એવા સંકલ્પનો ઉદ્દઘોષ બન્યો હતો કે ભારત માતાની હાથોમાંથી ગુલામીની બેડીઓ તૂટશે અને સંતાનો પોતાના ભાગ્યના વિધાતા બનશે.
વડાપ્રધાને રવિન્દ્રનાથ ટાગોરના શબ્દોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બંકિમચંદ્ર ચટર્જીનું “આનંદમઠ” માત્ર એક ઉપન્યાસ નથી, પરંતુ સ્વતંત્ર ભારતનું સ્વપ્ન છે. મોદીએ જણાવ્યું કે “વંદે માતરમ” ગુલામીના સમયમાં લખાયું હોવા છતાં એ કદી પણ ગુલામીના પડછાયા હેઠળ બંધાયુ નથી. એ હંમેશા સ્વતંત્રતાનું પ્રતિક રહ્યું છે, દરેક યુગમાં, દરેક કાળમાં પ્રાસંગિક રહ્યું છે અને આજે પણ એ આપણા રાષ્ટ્રના ઉર્જાસ્રોત તરીકે અમર છે.”


