1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં ગોલ્ડન જંકશન પર ડ્રેનેજ કામગીરીને લીધે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
વડોદરામાં ગોલ્ડન જંકશન પર ડ્રેનેજ કામગીરીને લીધે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

વડોદરામાં ગોલ્ડન જંકશન પર ડ્રેનેજ કામગીરીને લીધે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

0
Social Share

વડોદરા, 7 એપ્રિલ 2026:  શહેરના ગોલ્ડન ચોકડી જંક્શન પર વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના લીધે આજથી 15થી 20 દિવસ માટે વાહનો માટે રોડ બંધ ખરી દેવામાં આવ્યો છે. ડ્રેનેજની કામગીરી માટે મશીનરીની હેરફેર અને કામદારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 7 એપ્રિલ, 2026થી આગામી 15થી 20 દિવસ સુધી અથવા તો કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગોલ્ડન જંકશન પર તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે રસ્તો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન જંકશન પરથી પસાર થતા મુસાફરો અને વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે, જેથી કામગીરીમાં કોઈ અવરોધ ન આવે અને ટ્રાફિકજામની સમસ્યા નિવારી શકાય.

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ મહત્વના જંક્શનો જેવા કે ગોલ્ડન, આજવા, કપુરાઈ, વાઘોડિયા અને તરસાલી ખાતે વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ કલ્વર્ટ બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા વાઘોડિયા, કપુરાઈ અને તરસાલી જંકશન પર આ પ્રકારની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે બાકી રહેલા ગોલ્ડન જંકશન પર આ આધુનિક ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવાની કામગીરી આજે મંગળવારથી શરૂ કરવામાં આવી છે.

ચોમાસા દરમિયાન શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે આ બોક્સ કલ્વર્ટની કામગીરી જરૂરી છે. ગોલ્ડન જંકશન એ હાઈવે અને શહેરને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીં વાહનોનું ભારણ વધુ રહે છે, પરિણામે મ્યુનિએ નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે. નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે એજન્સી દ્વારા સતત મજૂરો અને ટેકનિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જૂની સમસ્યાથી કાયમી છુટકારો મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code