
પાકિસ્તાન ગોળીબાર અને ડ્રોન હુમલો કરીને ભારતને ઉશ્કેરવાનો સતત પ્રયાસ કરી રહ્યું છેઃ વિક્રમ મિશ્રી
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી તણાવ સતત વધી રહ્યો છે. રાત્રિના સમયે પાકિસ્તાને સરહદી વિસ્તારમાં ડ્રોન સાથે હુમલો કરવાની સાથે ભારે ગોળીબાર કર્યો હતો. દરમિયાન વિદેશ સચિવે કહ્યું કે પાકિસ્તાન જુઠ્ઠાણા અને દુષપ્રચાર ફેલાવી રહ્યું છે અને આ પાકિસ્તાની રાજ્ય એજન્સીઓ દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે અમારા લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, આ એક ખુલ્લેઆમ જૂઠાણું છે. સિરસા, આદમપુર એરબેઝને નુકસાન થવાના દાવા સંપૂર્ણપણે ખોટા છે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન, આ એરબેઝની તસવીરો પણ બતાવવામાં આવી હતી જે દર્શાવે છે કે ત્યાં બધું સામાન્ય હતું.
વિદેશ સચિવે કહ્યું કે પાકિસ્તાન નાગરિક સ્થળોને નિશાન બનાવી રહ્યું છે અને ખાસ કરીને જમ્મુ અને પંજાબમાં હુમલા કરવામાં આવ્યા છે. આજે સવારે પણ પાકિસ્તાને રાજૌરીમાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક વહીવટી અધિકારીનું મોત થયું હતું. જલંધર અને ફિરોઝપુરમાં પણ હુમલા થયા છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે અમૃતસર તરફ મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા, આ બાલિશ આરોપો છે અને આ દેશને વિભાજીત કરવાનું કાવતરું છે. પાકિસ્તાનના નાગરિકો પણ તેમની સરકારની ટીકા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન દ્વારા આવા ખોટા દાવા કરવામાં કોઈ આશ્ચર્ય નથી.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાન સંઘર્ષને ઉશ્કેરવાનો અને વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત પાકિસ્તાનની કાર્યવાહીનો જવાબ આપી રહ્યું છે. કર્નલ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને સમગ્ર પશ્ચિમી સરહદ પર લડાકુ વિમાનો, લાંબા અંતરના દારૂગોળા અને ડ્રોનથી હુમલો કર્યો. પાકિસ્તાને 26 થી વધુ સ્થળોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, જેમાંથી મોટાભાગની ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધી. પાકિસ્તાને સવારે પંજાબમાં આવેલા એરબેઝ સ્ટેશન પર હાઇ સ્પીડ મિસાઇલનો ઉપયોગ કરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાન દ્વારા નાગરિક લક્ષ્યો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યા પછી, ભારતે પાકિસ્તાનના શસ્ત્ર ડેપો અને લશ્કરી સ્થાપનોને નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી હતી.
પાકિસ્તાને નાગરિક વિમાનની આડમાં હુમલો કર્યો હતા. આવી સ્થિતિમાં, ભારતે નાગરિક સલામતી સુનિશ્ચિત કરતી વખતે ચોકસાઈ સાથે પગલાં લીધાં છે. પાકિસ્તાને ભારતીય લશ્કરી સ્થાપનોનો નાશ કરવાના ખોટા દાવા ફેલાવ્યા છે. કુપવાડા, બારામુલ્લા, રાજૌરી અને પૂંછમાં તોપો અને મોર્ટારથી ભારે ગોળીબાર થયો અને ભારતે પણ વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાની સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાનનો ઈરાદો ઉશ્કેરવાનો છે. ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણપણે તૈયાર છે. ભારતીય સશસ્ત્ર દળો સંઘર્ષ વધારવા માંગતા નથી, પરંતુ આ પાકિસ્તાનનો ઈરાદો છે.