અમદાવાદ, 31 માર્ચ 2026: APK file named RTO Challan સાબર માફિયાઓ લોકોને છેતરવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. અને ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની ઝાળમાં ફસાતા હોય છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય વિપુલ પટેલ સાથે 10.70 લાખ રૂપિયાની ડિજિટલ છેતરપિંડી થઈ છે. સાયબર માફિયાઓએ ફરિયાદીના શેઠનો મોબાઈલ હેક કરી, તેમના જ વોટ્સઅપ પરથી એક જોખમી ફાઈલ મોકલી આ કાંડને અંજામ આપ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય વિપુલ પટેલ વટવા GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. વિપુલ પટેલ 19 ફેબ્રુઆરીએ નોકરી પર હાજર હતા, ત્યારે તેમના શેઠના મોબાઈલ નંબર પરથી વોટ્સએપમાં RTO ઈ-ચલણ નામની એક APK ફાઈલ આવી હતી. જેમાં આરટીઓનો મેમો તપાસવા જણાવ્યું હતું, જેથી વિપુલે ફાઈલ તરત ડાઉનલોડ કરી હતી. જેમાં મોબાઈલ નંબર, નામ, માતાનું નામ સહિતની વિગતો ભરવાનું જણાવતા સ્ક્રીનશોટ લઈને તરત બહાર નીકળી ગયા હતા. જે બાદ APK ફાઈલ ડિલિટ કરી દીધી હતી.દરમિયાન 20 ફેબ્રુઆરીના સાંજના સમયે વિપુલ પટેલ નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના ફોનમાં અચાનક બેંકના મેસેજ આવવા લાગ્યા હતા.ખાતામાંથી પૈસા ડેબિટ થયાનો મેસેજ આવતા તપાસ કરવા માટે બીજા દિવસે બેંકમાં ગયા અને સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. આ સમયે તેમને જાણ થઈ કે કોઈ અજાણી વ્યક્તિએ તેમના મોબાઇલનું એક્સેસ મેળવીને બેંકની એપ્લિકેશનમાંથી 5.31 લાખ રૂપિયાની ઇન્સ્ટોલ જમ્બો લોન 4.50 લાખ રૂપિયાની ઈન્સ્ટન્ટ લોન કરી દીધી હતી. જે બાદ તેમના ખાતામાંથી ટુકડે-ટુકડે 5 લાખ, 2.60 લાખ 2.50 અને 60 હજાર એમ કુલ 10.70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આધેડને તેમના સાથે થયેલા સાઈબર ક્રાઇમની જાણ થતા સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરી અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


