
- ઉનાળાની અસહ્ય ગરમીમાં પ્રાણીઓના ખોરાકમાં ઘટાડો કરાયો
- જળચર પ્રાણીઓના કૂંડમાં બરફની પાટોથી પાણી ઠંડુ રાખવામાં આવે છે
- સિંહ-દીપડાના પાંજરા પાસે બરફની પાટો મુકવામાં આવે છે
ગાંધીનગરઃ શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે પશુ-પંખીઓના હાલત પણ દયનીય બની છે. શહેરના સાબરમતી નદીના કિનારે આવેલા ઇન્દ્રોડા પાર્કમાં ગરમીમાં પ્રાંણીઓ-પંખીઓને બચાવવા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. માંસાહારી પ્રાણીઓને સામાન્ય કરતા વધારે ગરમીનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં પ્રકૃતિ ઉદ્યાનમાં ગરમીમાં પ્રાણીઓને ઠંડક આપવા માટે દરરોજ 1050 કીલો બરફથી વાતાવરણ ઠંડુ રાખવામાં આવી રહ્યુ છે. તે ઉપરાંત સ્પ્રિક્લર મુકીને હરતા ફરતા પ્રાણીઓને ગરમીથી રાહત આપવામાં આવી રહી છે.
ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં માસાહારી પ્રાણીઓ શિયાળાની ઋતુમાં ગરમ ખોરાક આરોગત હોવાથી ઠંકડ સામે મહંદઅંશે રાહત અનુભવતા હોય છે. પરંતુ ગરમીની ઋતુમાં માંસાહારી પ્રાંણીઓની વિશેષ દરકાર કરવી પડતી હોય છે. ગરમીની સિઝનમાં હાલમાં ઇન્દ્રોડા પાર્કમાં રહેલા પ્રાણીઓને ઠંડક કરાવવા માટે ઉદ્યાનના અધિકારીઓ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મગરના કુંડમાં બરફની પાટ મુકવામાં આવે છે. જેથી પાણી ઠંડુ રહેવાથી મગરને પણ ઠંડક મળે છે. જ્યારે સિંહ અને દીપડાના પાંજરામાં ટેબલ ઉપર બરફની પાટ ગોઠવવામાં આવે છે. જેથી પ્રાણી ટેબલની નીચે અથવા બરફની નજીક આવીને ઠંડક અનુભવી શકે છે.
ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પ્રતિદિન 150 કીલોની 7 બરફની પાટ લાવવામાં આવે છે. મગર, જળચર પક્ષીઓ, વાઘ, સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા બરફ લાવવામાં આવે છે. તે ઉપરાંત જ્યા જરૂર જણાય ત્યા સ્પ્રિક્લર મુકવામાં આવ્યા છે. જ્યારે ખસ ટટ્ટી બાંધી સતત પાણી નાખવામાં આવી રહ્યુ છે. વાઘ, સિંહ અને દીપડા માંસાહારી હોવાથી તેમને ખોરાકમાં માંસ આપવામાં આવતુ હોય છે. ત્યારે સવાર સાંજ એક એક કીલો માંસ ઓછુ કરી દેવામાં આવ્યુ છે. જે દર વર્ષે ઉનાળામાં ખોરાક ઓછો કરી દેવામાં આવે છે.