- પશુ મેળામાં ગાય, ભેંસ, ઘોડા સહિતના મોટી સંખ્યામાં પશુઓની લે-વેચ કરવામાં આવી,
- નખત્રાણા તાલુકાના વિથોણ ગામની ભેંસની જોડી રૂ.51 લાખમાં વેંચાઈ,
- સ્થાનિક કચ્છીમાંડુંઓ ભાતીગળ પહેરવેશમાં પશુ મેળો મહાલવા ઉમટી પડ્યા,
ભુજઃ કચ્છમાં બન્નીની બન્ની વિસ્તરની ભેસો વધુ દૂધ આપતી હોવાથી માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પશુપાલકો બન્નીની ભેંસ ખરીદવા માટે આવતા હોય છે. પશુપાલકો એક જ સ્થળેથી દૂધાળા પશુઓ ખરીદી શકે તેમજ અન્ય પશુઓની પણ ખરીદી કરી શકાય તે માટે ભૂજ તાલુકાના હોડકો ગામે દર વર્ષે પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. તાલુકાના દુર્ગમ બન્ની હોડકો ગામ નજીક 17માં પશુ મેળો યોજાયો હતો. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 17મા પશુ મેળામાં કચ્છના વિવિધ વિસ્તારમાંથી માલધારીઓ પોતાના પશુ સાથે મેળામાં ઉમટી પડ્યા હતા. મેળામાં ગાય, ભેંસ, ઘોડા સહિતના મોટી સંખ્યામાં પશુઓની લે-વેચ કરવામાં આવી હતી. જેમાં નખત્રાણા તાલુકાના વિથોણ ગામની ભેંસની જોડી રૂ.9.51 લાખમાં વેંચાઈ હતી.
કચ્છના મોટા રણ નજીક સરહદી વિસ્તાર હોડકોના સીમ વિસ્તારમાં ધૂળની ડમરીઓ વચ્ચે સ્થાનિક કચ્છીમાંડુંઓ ભાતીગળ પહેરવેશમાં પશુ મેળો મહાલવા ઉમટી પડ્યા હતા. પશુ ખરીદ માટે કચ્છ સિવાય અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિતના પ્રાંતમાંથી રસ ધરાવતા લોકો આવ્યા છે. પશુ મેળાની શરૂઆત જિલ્લાના સત્તાપક્ષના પદાધિકારી અને સંસ્થાના હોદ્દેદારોએ રીબીન કાપીને કરી હતી. આ વેળાએ કચ્છ સાંસદ વિનોદ ચાવડા, રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ (ભુજ), પ્રદ્યુમન સિંહ જાડેજા(અબડાસા) તથા નીલકંઠ સોલ્ટના અરજણ સાધા કાનગડ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વ્યવસ્થા સંસ્થાના મિયા હુસેન મુતવા, રસીદ સમાં, ફકીરમામદ રાયશીપોત્રા, અબ્દુલ બુઢા જત, રમઝાન હાલેપોત્રા, જુમાં મીઠન થેબા વગેરેએ સંભાળી હતી.
આ અંગે સંસ્થાના ઈસા મુતવા અને ઇમરાનખાન મુતવાએ જણાવ્યું હતું કે, છેલ્લા 17 વર્ષથી અંતરિયાળ હોડકો નજીક આ પશુ મેળો યોજાય છે. આ આયોજન પાછળ સ્થાનિક બન્નીની ભાતીગળ સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ બન્ની નસલની ભેંસો તથા પશુની પ્રજાતિ કાયમ રહે તેવા હેતુસર કરવામાં આવે છે.


