1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોમનાથના સ્વાભિમાન પર્વ માટે રવિવારે એસટીની 1800 બસો ફાળવાશે
સોમનાથના સ્વાભિમાન પર્વ માટે રવિવારે એસટીની 1800 બસો ફાળવાશે

સોમનાથના સ્વાભિમાન પર્વ માટે રવિવારે એસટીની 1800 બસો ફાળવાશે

0
Social Share

રાજકોટ, 9 જાન્યુઆરી 2026: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વની ઊજવણી કરવામાં આવી રહી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11મી જાન્યુઆરીને રવિવારે ઊજવણીમાં સહભાગી થશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ ઐતિહાસિક પર્વમાં સહભાગી થવા ગુજરાત સહિત દેશમાંથી ઉમટી પડનારા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા ખાસ એસટી બસો દોડાવવામાં આવશે. સોમનાથ માટે સૌરાષ્ટ્રના વિવિધ ડિવિઝનોમાંથી કુલ 1800 જેટલી બસો ફાળવવામાં આવી છે. આ આયોજન હેઠળ રાજકોટ ડિવિઝનમાંથી 200 બસોની ફાળવણી કરવામાં આવશે.

રાજકોટ એસટી વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ સોમનાથ પર્વ અંતર્ગત તા.11ના રોજ રાજકોટ, જુનાગઢ, સોમનાથ (વેરાવળ), અમરેલી અને જામનગર ખાતેથી મોટી સંખ્યામાં એસટી બસો દોડાવવામાં આવશે. શ્રધ્ધાળુઓ સોમનાથ સુધી સરળતાથી જઈ શકે તે માટે ઉપરોકત તમામ ડીવીઝનોમાંથી 1800 જેટલી એસટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજકોટ વિભાગમાંથી 200 અને જુનાગઢ, વેરાવળ, અમરેલી અને જામનગર ડિવીઝનમાંથી અનુક્રમે 200થી વધુ એસટી બસોની ફાળવણી કરાશે. ઉલ્લેખનીય છે કે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત રવિવારે સૌરાષ્ટ્રભરમાંથી 1800 જેટલી બસો દોડાવાશે  તેથી સૌરાષ્ટ્રભરના ગ્રામ્ય રૂટોની બસ સેવા પર અસર પડવાની સંભાવના છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા પણ વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આ ભવ્ય પર્વમાં જોડાનારા લોકોને પરિવહનમાં મુશ્કેલી પડે નહીં. આમ, વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code