
ગાઝામાં કુપોષણથી 15 બાળકો સહિત 185 વ્યક્તિનાં મોત
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા પટ્ટીમાં લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ ગાઝામાં શરણાર્થીઓને પુરતી સુવિધાઓ નહીં મળતી હોવાની વ્યપાક ફરિયાદો ઉઠી છે. દરમિયાન ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં 185 લોકોનું કુપોષણથી મૃત્યુ થયું છે, જેમાં 15 બાળકોનો સમાવેશ થાય છે. ગયા મહિને યુએન સમર્થિત આઈપીસી સિસ્ટમ દ્વારા ગાઝાના કેટલાક વિસ્તારોને દુષ્કાળની સ્થિતિમાં જાહેર કર્યા બાદ કટોકટી વધુ ગંભીર બની હતી. ત્યારથી ભૂખમરા સંબંધિત કારણોસર 83થી વધુ લોકોનાં મોત થયા છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું કે હાલ પાંચ વર્ષથી ઓછી ઉંમરના 43 હજાર બાળકો અને 55 હજારથી વધુ ગર્ભવતી તથા સ્તનપાન કરાવતી સ્ત્રીઓ કુપોષણથી પીડાઈ રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, ઓક્ટોબર 2023માં ઇઝરાયલ-ગાઝા યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધી ભૂખમરા સંબંધિત મૃત્યુઆંક વધીને 361 પર પહોંચી ગયો છે, જેમાં 130 બાળકોનો સમાવેશ થાય છે.