અમદાવાદ, 6 ફ્રેબુઆરી 2026: શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં આજે બપોરના ટાણે કોઈ કારણસર આગ લાગતા ડિટેઈન કરેલા 25 જેટલા બાઈક બળીને ખાક થઈ ગયા હતા. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરના જવાનો ફાયટરો સાથે દોડી ગયા ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ખાડિયા પોલિસ સ્ટેશનના પાર્કિંગમાં આજે બપોરે અંદાજે 4:20 વાગ્યે કોઈ કારણસર આગ લાગી હતી. પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ટુ-વ્હીલર (મુદ્દામાલ) રાખવામાં આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર વિભાગના જવાનો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને આગને વધુ ફેલાતી અટકાવી હતી. આગ ઓલવાયા બાદ કોઈ ફરીથી સ્પાર્ક ન થાય તે માટે ‘કુલિંગ ઓપરેશન’ પણ હાથ ધરવામાં આવ્યું હતું.
ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, “આ દુર્ઘટનામાં અંદાજે 25 જેટલા મોટરસાયકલોને નુકસાન થયું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે, આ તમામ વાહનો પોલીસ તપાસ હેઠળના અને કોર્ટ મેટરના મુદ્દામાલ હોવાથી સરકારી મિલકતને મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ આકસ્મિક કારણોસર આગ લાગી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે તપાસના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


