
- શહેરના થલતેજ બ્રિજ પર બાઈકને ટક્કર મારીને કારચાલક પલાયન
- અકસ્માતને જોવા માટે લોકોનું ટોળુ એકઠુ થયુ
- પૂરફાટ ઝડપે આવેલા એક્ટિવાને ટોળામાં ઘૂંસાડી દીધુ
અમદાવાદઃ શહેરના ગત રાતે એસ. જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર બાઇકચાલક યુવકને અજાણ્યો કારચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. બાઈકચાલક ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડ્યો હતો. દરમિયાન આ અકસ્માત જોવા લોકોનું ટોળું એકઠું થયુ હતું. ત્યારે પૂરફાટ ઝડપે આવેલા એકટિવા સ્કૂટરનાચાલકે લોકોના ટોળાં પર એક્ટિવા ચડાવી દીઘું હતું. આમ બે અકસ્માતમાં કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના એસ. જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર બાઇકચાલક યુવકને અજાણ્યો કારચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દરમિયાન બ્રિજ પર અકસ્માત જોવા લોકોનું ટોળું ભેગું થયું હતું, આ સમયે પૂરફાટ આવતા એક્ટિવા ચાલકે ટોળામાં એક્ટિવા ઘૂસાડી દેતા ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. હાલ સમગ્ર મામલે એસ.જી. 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, 10 મહિના પહેલા આજ બ્રિજ પર હિટ એન્ડ રનમાં બે લોકોના મોત થયાં હતાં.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વેજલપુરમાં રહેતો રાહુલ ભાટિયા નામનો યુવક થલતેજ અંડર બ્રિજથી પેલેડિયમ મોલની બાજુમાં આવેલા બ્રિજ પર બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન એક અજાણી બ્લેક કલરની સિડાન ગાડીએ રાહુલના બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે રાહુલને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત કર્યા બાદ અજાણ્યો કારચાલક નાસી ગયો હતો. રાહુલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતનો બનાવ બન્યો તે જોવા બ્રિજ પર લોકોનું ટોળું ભેગું થયું હતું. આ સમયે થલતેજ અંડરબ્રિજ તરફથી એક્ટિવા લઈને આવતા મંથન પટેલ નામનો 21 વર્ષનો યુવક પૂર ઝડપે એક્ટિવા લઈને ટોળામાં ઘૂસી ગયો હતો, જેથી અકસ્માત જોવા ઉભેલા ત્રણ લોકોને નાની-મોટી ઈજા થઈ છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે હિટ એન્ડ રન અને એક્ટિવાચાલક વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી છે.