
- વરઘોડામાંથી પરત આવ્યા બાદ ક્રયુ ફાયરિંગ
- એકાએક 5 રાઉન્ડ ફાયરિંગથી લોકોમાં નાસભાગ મચી ગઈ
- જુની અદાવતને લીધે બન્યો બનાવ
ભિલોડાઃ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામમાં જુની અદાવતને લીધે વરઘોડા દરમિયાન નિવૃત્ત પીએસઆઇ કનૈયાલાલ બરંડા અને તેમના પુત્ર વૈભવે સર્વિસ રિવોલ્વરથી 5-6 રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગમાં એક બાળકી સહિત ત્રણ લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં ભિલોડા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
અરવલ્લી જિલ્લાના ભિલોડાના ભાણમેર ગામમાં વરઘોડા દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નિવૃત્ત પીએસઆઈ કનૈયાલાલ બરંડા અને તેમના દીકરા વૈભવે સર્વિસ રિવોલ્વરથી 5-6 રાઉન્ડ ફાયરિંગ કરતા બાળકી સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તોમાં. 9 વર્ષની બાળકી, એક આધેડ અને એક યુવકનો સમાવેશ થાય છે. ફાયરિંગના કારણે વરઘોડામાં નાસભાગ મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ભિલોડા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ અને જિલ્લા એલસીબી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ ગઇ છે. ફાયરિંગનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.