ભૂજ, 17 ફેબ્રુઆરી 2026: કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જુદા જુદા ત્રણ અકસ્માતોના બનાવોમાં ત્રણના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતના બનાવમાં નલિયાથી કોઠારા જતા હાઈવે પર ભાનાડા એરફોર્સ નજીક બંધ પડેલા ટ્રેઇલરની પાછળ ખાનગી બસ ભટકાતા અકરી ગામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ભીરંડીયારા ગામે બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવારનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતના ત્રીજા બનાવમાં ધ્રોબાણાથી દિનારા જતા રોડ પર બોલેરો ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર કિશોરનું મોત નિપજ્યું હતું.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, નલિયાથી કોઠારા જતા હાઈવે પર ભાનાડા એરફોર્સ નજીક બંધ પડેલા ટ્રેઇલરની પાછળ ખાનગી બસ ભટકાતા અકરી ગામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું જ્યારે એક યુવાનને ઈજાઓ પહોચી હતી. આ બનાવ સવારે આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં ભાનાડા એરફોર્સ નજીક બંધ પડેલા ટ્રેઇલરની પાછળ પેસેન્જર લઇને જતી ખાનગી બસ અથડાઈ હતી. અકસ્માતની ટક્કર એટલી ગંભીર હતી કે, બસની આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. કોઠારા પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ઘટના સબંધિત ગુનો દાખલ કરવા સહીતની તજવીજ હાથ ધરી છે.
બીજા અકસ્માતના બનાવની વિગત એવી છે કે, તાલુકાના ભીરંડીયારા ગામે બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 23 વર્ષીય યુવાન બાઈક લઈને ગામમાં દૂધ લેવા જઈ રહ્યો હતો એ દરમિયાન પાછળથી આવતી બોલેરોએ ટક્કર મારતા ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. ફરિયાદી ખીમજીભાઈ શંકરભાઈ મારવાડાએ ધોરડો પોલીસ મથકે આરોપી બોલેરો ગાડી નંબર જીજે 12 સીટી 9434 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીનો 23 વર્ષીય ભત્રીજો રમેશ ભારમલ મારવાડા પોતાની બાઈક નંબર જીજે 12 એચડી 9841 વાળી લઈને દૂધ લેવા માટે ભીરંડીયારા ગામમાં જઈ રહ્યો હતો.એ દરમિયાન બન્ની માલધારી હોટલ સામે આરોપી બોલેરો ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ધોરડો પોલીસે આરોપી બોલેરો ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતનો ત્રીજો બનાવ ધ્રોબાણાથી દિનારા જતા રોડ પર સર્જાયો હતો જેમાં રોંગ સાઈડમાં આવતી બોલેરો ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતા પિતા સાથે ખાવડા વાળ કપાવવા જઈ રહેલા 14 વર્ષીય બાળકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું.


