
ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર કલાર્કની ભરતીમાં ખાનગી એજન્સીને 5 કરોડ ચુકવાશે
- 227 જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રીયા માટે ગોલમાલનો કોંગ્રેસનો આક્ષેપ,
- ભરતીમાં ખાનગી કંપનીના ઇજારાથી એક જુ.કલાર્ક રુપિયા 2.23 લાખમાં પડશે,
- એક અરજીએ પરીક્ષા ખર્ચ પેટે રુપિયા 525નો ઇજારો આપ્યો.
અમદાવાદઃ રાજ્યની ચાર કૃષિ. યુનિ જુનાગઢ, આણંદ, નવસારી અને દાંતીવાડા કૃષિ. યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક વર્ગ-3ની ભરતી પ્રક્રિયા 15 જુલાઇથી 11 ઓગસ્ટ દરમિયાન અરજીઓ મંગાવવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની કુલ 227 જગ્યા માટે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને પરીક્ષા એક જ દિવસે 21 સપ્ટેમ્બર 2025એ લેવાશે. આ પરીક્ષા માટે 96500 અરજદારોએ અરજી કરી છે. કૃષિ યુનિવર્સિટીઓએ 227 જુનિયર કલાર્કની ભરતી માટે ખાનગી એજન્સીને ઈજારો આપ્યો છે. જુ.કલાર્કની ભરતી માટે ખાનગી કંપનીને આપેલા ઇજારામાં કૃષિ યુનિ.ને એક જુ.કલાર્ક રુપિયા 2.23,૦૦૦ પડશે, ખાનગી એજન્સીને 5 કરોડ ચુકવાશે. તેમ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે આક્ષેપ કરતા જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં 227 કારકૂનોની ભરતીમાં સમાન્ય રીતે પ્રિલિમ્સ બાદ પરિણામ જાહેર થાય છે અને ત્યારબાદ મેઇન્સ માટે પૂરતો સમય આપવામાં આવે છે. અને સ્પર્ધાત્મક પરીક્ષા લેતી સરકારની અન્ય સંસ્થાઓ પહેલા પ્રિલિમ્સ પરીક્ષાના પરિણામ આપ્યા બાદ મેઇન્સ પરીક્ષા લે છે. મેઇન્સ માટે તૈયારી કરવા વિદ્યાર્થીઓને સમય આપવામા આવે છે, જે આ કીસ્સામા નથી મળી રહ્યો એટલે ઉમેદવારોમાં ખુબ જ નારજગી છે.
તેમણે કહ્યુ હતું કે, કૃષિ. યુનિ દ્વારા બહાર પાડેલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જુનિયર ક્લાર્ક (વર્ગ-3)ની સીધી ભરતી માટે પાર્ટ-1 (ગુણઃ100, 60 મિનીટ) તથા પાર્ટ-2 (ગુણઃ200, સમય 120 મિનિટ) ની સ્પર્ધાત્મક પરીક્ષા એક જ તબક્કામાં MCQ – પ્રકારના પ્રશ્વનો ધરાવતી OMR પદ્ધતિથી તા 21 સપ્ટેમ્બરને રવિવારના 14.૦૦ થી 17.૦૦ કલાક દરમિયાન લેવામાં આવશે. આવો દુરાગ્રહ કૃષિ યુનિ.ઓનો કે ખાનગી પરિક્ષા લેનાર એજન્સીનો છે ? આમ આ ભરતી પ્રક્રિયાની 100 માર્કની પ્રિલીમ્સ પરીક્ષા અને 200 માર્કની મેઇન સહિત કુલ 300 માર્કની પરીક્ષા વિદ્યાર્થીઓએ એક જ દિવસે આપવાની રહેશે. પ્રિલીમ્સ પરીક્ષા 100 માર્કની હશે જેનો સમય એક કલાક છે. પ્રિલિમ્સ પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષા પણ એજ દિવસે લઈ લેવાશે.