અમદાવાદ, 3 એપ્રિલ 2026: 6 accused arrested in fraud case ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના એક વકીલ સાથે રૂપિયા 57 લાખનો ફ્રોડ કરનારી ગેન્ગના 6 આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. વૃદ્ધ વકીલને લગ્નની લાલચ આપી ઈટલીમાં સેટલ થવાનું કહીને યુવતીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે વકીલ પાસેથી રૂપિયા 57 લાખનો ચૂનો લગાવ્યો હતો. ચાઈનીઝ ગેંગ દ્વારા ઓપરેટ થતી આ ઠગાઈની ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છ આરોપીને ઝડપી પાડ્યા હતા, જ્યારે માસ્ટરમાઇન્ડ મયુર સાવલિયા દુબઇની જેલમાં હોવાનું સામે આવ્યું છે.
આ બનાવની વિગત એવી હતી કે, અમદાવાદ શહેરના શિલજમાં રહેતા વૃદ્ધ વકીલે 57.90 લાખની સાયબર ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ પી.વી. વાઘેલાએ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન વૃદ્ધ પાસેથી ગયેલા રૂપિયા પૈકી 9 લાખ તાહીર અને મકસુદની કંપનીમાં ટ્રાન્સફર થયા હોવાનું ધ્યાને આવતા પોલીસે તરત જ તેમની ધરપકડ કરી હતી. તેમની સાથે સંકળાયેલા અદનાન અને એઝાઝની બોગસ કંપનીઓની વિગતો પણ સામે આવતા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. હવે આ બોગસ બેંક એકાઉન્ટ જેના ઈશારે ઓપરેટ થતા હતા તે ઓમકાર ભારતીની પણ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ઓમકાર સાથે સંકળાયેલો દિલ્હીનો સની મગો ચાઈનીઝ ગેંગ માટે કામ કરતા દુબઈના મયુર સાવલિયાને એકાઉન્ટ પ્રોવાઈડ કરતો હતો. સાથે સાથે એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થવાના હોય તે ખાતેદારોને ઓમકાર દિલ્હી લઈ જતો હતો. જ્યાં સની તેમને હોટલમાં રાખતો અને ટ્રાન્ઝેક્શન થઈ ગયા બાદ 5થી 10 ટકા કમિશન આપતો હતો.
પોલીસને પ્રાથમિક તપાસમાં મયુર સાવલિયા હાલ દુબઈની જેલમાં હોવાનું અને એડવોકેટ સાથે ઠગાઈ માટે જે ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ થતો તે કંબોડીયાથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું છે. દિલ્હીના સગી મગોએ ITમાં બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે. તે ક્રોકરીનો બિઝનેસ કરતો હતો. જેમાં નુકસાન જતા તે અન્ય સારા વિકલ્પ માટે સપ્ટેમ્બર 2025માં દુબઈ ગયો હતો. જ્યાં તેની મુલાકાત મયુર સાવલિયા સાથે થઈ હતી. મયુરે આ સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ પ્રોવાઇડ કરીને લાખો રૂપિયા કમાવાની લાલચ આપી હતી. સાથે સાથે ઓમકાર સાથે વાત પણ કરાવી દીધી હતી અને મગો સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગનો હાથો બન્યો હતો. સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપતી અને રૂપિયા વિથડ્રો કરી આપતી આ ગેંગ દ્વારા બોગસ કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ઓપન કરાવી તેમાં સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હોવાનું તપાસમાં ખૂલ્યુ છે.


