1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધ્રાંગધ્રા-વિરમગામ હાઈવે પર પોલીસના નામે વાહનચાલકો પાસે તોડ કરતા 6 શખસો પકડાયા
ધ્રાંગધ્રા-વિરમગામ હાઈવે પર પોલીસના નામે વાહનચાલકો પાસે તોડ કરતા 6 શખસો પકડાયા

ધ્રાંગધ્રા-વિરમગામ હાઈવે પર પોલીસના નામે વાહનચાલકો પાસે તોડ કરતા 6 શખસો પકડાયા

0
Social Share

સુરેન્દ્રનગર, 23 માર્ચ 2026: જિલ્લાના ધાંગધ્રા-વિરમગામ નેશનલ હાઈવે આવેલા ટોલનાકા નજીક ડુપ્લીકેટ IB અધિકારીની ઓળખ આપીને પોલીસ કર્મચારી અને હોમગાર્ડ દ્વારા વાહનચાલકો પાસે તોડ કરવામાં આવતો હતો. દરમિયાન કારમાં પસાર થતા ધાંગધ્રાના ડોક્ટરનો તોડ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમજ કારમાં ડ્રગ્સ હોવાનું કહીને ડોકટરને ડરાવવામાં આવ્યા હતા. પણ ડોકટરને શંકા જતા તેમણે પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરતા પોલીસ દોડી આવી આવતા તોડબાજ ટોળકી નાસી ગઈ હતી. આ અંગે ફરિયાદ દાખલ કરી અને બજાણા અને સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા તોડ મંડળી ચલાવતા છ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે, સુરેન્દ્રનગરના ધાંગધ્રા-વિરમગામ નેશનલ હાઇવે ઉપર આવેલા ટોલનાકા નજીક ધાંગધ્રાના ડોક્ટર આશિષ શાહ પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની કાર ઉભી રાખી અને તેમની કારમાં ડ્રગ્સ હોવાનો ડર બતાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી રૂપિયા માંગવામાં આવ્યા હતા. કાર ઊભી રાખવનારે પોતે IB પોલીસ કર્મચારી હોવાનું જણાવ્યું હતું. જો કે આ મુદ્દે ડોક્ટરને શંકા જતા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને પોલીસ ત્યાં આવી અને ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવતા રૂપિયા માંગનાર અને કાર ઉભી રાખનાર કોઈપણ પ્રકારે IB પોલીસ કર્મચારીમાં ફરજ બજાવતો ન હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર બાબતનો ઘટસ્ફોટ થયો હતો અને ખોટા કર્મચારીઓની ઓળખ આપીને ટોલનાકા નજીક કારચાલકો અને વાહન ચાલકોનો તોડ કરવામાં આવતો હતો.

આ અંગે બજાણા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી અને હાઇવે ઉપરના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજ ચેક કરવામાં આવતા તોડ કરવા આવેલી મહિલા સહિત ટોળકી કારમાં સાબરકાંઠા નાસી ગઈ હોવાની માહિતી મળી હતી. આ અંગે સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચને બજાણા પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી અને ફૂટેજ આપવામાં આવતા સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ હતી. તપાસમાં અનેક મોટા ધડાકાઓ થયા હતા. જેમાં કુલ સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છ જેટલા ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં બે મહિલા હોવાનું પણ સામે આવ્યું છે અને ટોલનાકા ઉપર પસાર થતા વાહનચાલકોને ખોટા કેસોમાં ફસાઈ દેવાની ધમકી આપી અને તેમના તોડ કરવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આઇબી અધિકારીની ફેક ઓળખ આપનારો શખસ સાબરકાંઠામાં આવેલ હિંમતનગર વિસ્તારમાં જમીન લે-વેચનો દલાલ હોવાનું અને તેનું નામ કેતનકુમાર રાવલ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ધાંગધ્રાના રામપુર મેન બજારમાં રહેતા નિલેશભાઈ રામાનુજ પોતે પ્લમ્બિંગ કામ કરતો હોય અને તે પણ આ ગેંગ સાથે જોડાયેલા હોવાનો પણ ધડાકો થયો હતો. હિંમતનગરમાં પોલીસ તરીકે ફરજ બજાવતા વૈભવસિંહ વાઘેલા પણ આ ગેંગની સાથે તોડ કરવા આવ્યા હોવાનો ધડાકો થયો હતો. આ ઉપરાંત હોમગાર્ડમાં ફરજ બજાવતા આસિફા દિવાન પણ આ મંડળી સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. તે ઉપરાંત હિતેશ પંચાલ અને કૃપાબેન પંચાલની પણ અટકાયત કરવામાં આવી છે. આ તમામ ઝડપાયેલા લોકો ટોલનાકા નજીક તોડ કરતાં હોવાનું સામે આવ્યું છે અને ડુપ્લીકેટ IB અધિકારીની ઓળખ આપનાર યુવક કેતનકુમાર રાવલની પણ ધરપકડ કરી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code