
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે શેખ હસીના અને ભારતને લઈને નિવેદન જાહેર કર્યું છે. શેખ હસીનાને સલાહ આપતાં તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાને ભારતમાં જ રહેવું જોઈએ અને નિવેદનો કરવાથી બચવું જોઈએ. તેમણે રાજકીય નિવેદનો ન કરવા જોઈએ.
યુનુસે એમ પણ કહ્યું કે, તે ભારત પાસેથી હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે, પણ હસીનાએ ત્યાં સુધી ચૂપ રહેવું જોઈએ. નહીંતો તે બંને દેશોમાં સમસ્યા ઊભી કરી શકે છે. સરકારના વડાએ પણ પ્રત્યાર્પણ બાદ શેખ હસીના સામે કેસ દાખલ કરવાની વાત કરી હતી. હસીના ચૂપ રહી હોત તો આપણે ભૂલી ગયા હોત, લોકો પણ ભૂલી ગયા હોત, પણ જો તે ભારતમાં બેસીને નિવેદનો કરે તો કોઈને ગમશે નહીં.
બાંગ્લાદેશમાં રાજકીય તખ્તાપલટ બાદ શેખ હસીના ઢાકા છોડીને ભારત આવી, ત્યારથી તેમને ભારતમાં આશ્રય મળ્યો છે. તે બાંગ્લાદેશની સ્થિતિને લઈને સમયાંતરે નિવેદન આપતી રહે છે.
શેખ હસીનાએ 13 ઓગષ્ટે એક નિવેદન આપ્યું હતુ, જેમાં હસીનાએ બાંગ્લાદેશમાં થયેલ હત્યાઓ અને હિંસાને આતંકવાદી ઘટનાઓ ગણાવી હતી. યુનુસે કહ્યું કે આવા નિવેદનો ભારત અને બાંગ્લાદેશ બંને માટે સારા નથી. યુનુસે ભારત અંગે પણ પોતાનું વલણ વ્યક્ત કર્યું હતું. તેમને કહ્યું, બાંગ્લાદેશ ભારત સાથે મજબૂત સંબંધોને મહત્વ આપે છે, પણ ભારત શેખ હસીનાની અવામી લીગ સિવાય અન્ય પક્ષોને ઈસ્લામિક પક્ષો તરીકે જુએ છે, ભારતે આ દૃષ્ટીકોણ બદલવો પડશે. એવું નથી કે બીજા પક્ષની સરકારમાં બાંગ્લાદેશ અફઘાનિસ્તાન બની જશે. હસીનાનું દેશ છોડવાનું કારણ સામાન્ય નથી, જેણે જનતાના બળવા અને ગુસ્સાને કારણે ભાગવું પડ્યું હતુ.
વચગાળાની સરકારમાં પણ હિંદુઓ અને લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે. તેના જવાબમાં યુનુસે કહ્યું કે આ માત્ર એક બહાનું છે. આવા હુમલાને મોટા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ હિંદુઓ વિરુદ્ધ હિંસાના ઘણા અહેવાલો સામે આવ્યા હતા. પીએમ મોદીએ 15 ઓગસ્ટે પોતાના ભાષણમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.