- કોબાના રહિશોએ વન વિભાગને કરી રજુઆત,
 - તોફાની વાનરોના ભયથી લોકો ઘરની બહાર નિકળતા નથી,
 - અગાઉ વન વિભાગે પાંજરા મુકીને બે વાનરોને પકડ્યા હતા.
 
ગાંધીનગરઃ શહેરના કોબા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં વાંદરાઓના ત્રાસથી વસાહતીઓ પરેશાન થઇ ગયા છે. સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં 10થી વધુ લોકોને વાંદરાઓએ બચકા ભર્યાના બનાવો બન્યા છે. આ મામલે વાંદરાનો ત્રાસ નિવારવા માટે સોસાયટીના રહિશો દ્વારા વન તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ગાંધીનગરમાં કોબા વિસ્તારમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વાનરોનો ત્રાસ વધતો જાય છે. જેમાં નંદનવન બંગ્લોઝ સોસાયટીના રહિશોએ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા દિવસથી સોસાયટીમાં વાંદરાનો ત્રાસ વધી ગયો છે. વાંદરા કરડવાના વારંવાર બનાવ બનતા સોસાયટીના રહિશોમાં ભયનો માહોલ ફેલાયો છે. વૃદ્ધો, બાળકો અને મહિલાઓ ઘરની બહાર નીકળતા ડરે છે. કોબા જૈન તીર્થ તેમજ નજીકમાં મેટ્રોનું કામ ચાલે છે તેની લેબર કોલોનીમાં પણ વાંદરા કરડવાની ઘટના બની છે. જેથી વાંદરાનો ત્રાસ નિવારવા તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યા છે. ચાલું માસમાં જ વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં બે વાંદરા પકડાયા હતા. તેમ છતાં હજુ પણ વાંદરાનો ત્રાસ યથાવત રહ્યો છે અને વાંદરા કરડવાની ઘટના પણ બનતી રહે છે. જેના કારણે અસરકારક ઝુંબેશ ચલાવીને આ વિસ્તારમાંથી વાંદરાઓ દૂર કરવાની કામગીરી કરવી જરૂરી બની હોવાનું વસાહતીઓએ જણાવ્યું હતું.
ગાંધીનગરના કોબા વિસ્તારમાં ઘણા સમયથી વાનરોનો ત્રાસ છે. વાનરો ઘરમાં પણ ઘૂંસી જાય છે. વાનરોના ટોળાને ભગાડવાની પ્રયાસો કરવામાં આવે તો હુમલો કરવામાં આવે છે. જો કે વન વિભાગે વાનરોને પકડવા માટેની હૈયાધારણ આપી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

