
- કડીના જાસલપુર ખાતે ભેખડ ધસી પડવાનો શનિવારે બનાવ બન્યો હતો,
- પોલીસે કોન્ટ્રાકટર, એન્જિનિયર સહિત 3ની ધરપકડ કરી,
- મૃતકના પરિવારોને ગુજરાત સરકાર 4 લાખ અને કેન્દ્ર બે લાખની સહાય કરશે
ગાંધીનગરઃ કડીના જાસલપુર ખાતે શનિવારે માટીની ભેખડ ધસતાં 10 શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી નવ મજૂરોના દટાઈ જવાથી મોત નીપજ્યાં હતા. આ દરમિયાન એક મજૂરને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. જેની હાલ સારવાર હેઠળ છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત મજૂરે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે જવાબદાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ બનાવમાં રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની આર્થિક સહાય જાહેર કરી છે. આ સાથે કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
આ બનાવની વિગતો એવી હતી કે, કડીના જાસલપુરમાં આવેલી એક ખાનગી સ્ટીલ કંપનીમાં 20 ફૂટ નીચે સેફ્ટી ટેન્ક બનાવવાની કામગીરી ચાલતી હતી ત્યારે અચાનક જ માટીની ભેખડો ધસી પડી હતી. જેમાં 10 જેટલા મજૂરો દટાઈ ગયા હતા. જેમાંથી નવના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિને જીવિત બહાર કાઢ્યો હતો. મૃતદેહો કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં બચેલા 19 વર્ષીય વિનોદ વસૈયા ફરિયાદી બન્યા હતા. જે બાદ કડી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. જેમાં કોન્ટ્રાક્ટર – જયેશભાઈ કાન્તિલાલ દોશી, એન્જિનિયર – કૌશિકભાઈ પરમાર, લેબર કોન્ટ્રાક્ટર – દિનેશભાઈ સમુભાઈ ભુરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેયએ ભેગા મળી બેદરકારી રાખી હતી. ફરિયાદી અને મરણ જનાર નવ મજૂરોને કોઈપણ જાતના સલામતીના સાધનો આપ્યા નહોતા. ખાડાની માટી ધસી ન પડે તે માટે કોઈ ટેકા કે પાલખ પણ બાંધવામાં આવ્યા ન હતા. ખાડામાં ચણતરનું કામ કરવાથી માટીની ભેખડ ધસી પડવાની શક્યતા હતી. મજૂરોનું મોત થવાની શક્યતા હોવાનું જાણતા હોવા છતાં મજૂરોને ખાડામાં ચણતર કરવા માટે ઉતાર્યા હતા. જે દરમિયાન માટીની ભેખડ ધસી પડતા કુલ 9 મજૂરોના મોત નીપજ્યાં છે. બેદરકારી દાખવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ હતી.