1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રાકૃતિક કૃષિ માટે સાચું નેતૃત્વ વિદ્યાર્થીઓએ કરવાનું છે: રાજ્યપાલ
પ્રાકૃતિક કૃષિ માટે સાચું નેતૃત્વ વિદ્યાર્થીઓએ કરવાનું છે: રાજ્યપાલ

પ્રાકૃતિક કૃષિ માટે સાચું નેતૃત્વ વિદ્યાર્થીઓએ કરવાનું છે: રાજ્યપાલ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના રાજયપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં કૃષિ ક્ષેત્રની વિવિધ વિદ્યાશાખાઓના ૬૭ ગોલ્ડ મેડલ સાથે ૫૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા તેમના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું કે, વિદ્યા પ્રાપ્તિ માટે ભારે તપસ્યા અને મહેનત બાદ પદવી પ્રાપ્ત કરીને સમાજ અને રાષ્ટ્ર વચ્ચે જઈ રહ્યા છો, ત્યારે સત્યના આચરણ અને વ્યવહાર  સાથે ધર્મ કર્મ એટલે કે પોતાના માટે જે ઈચ્છો છો તે અન્ય માટે પણ ઇચ્છીએ. તેમ જવાબદારીપૂર્વક કર્મ કરવાને રાજ્યપાલએ ધર્મનું લક્ષણ ગણાવ્યું હતું. 

રાજ્યપાલએ વિદ્યાર્થીઓને આજીવન વિદ્યા પ્રાપ્ત કરતી રહેવા અને અને વિદ્યાને પોતાના માટે સિમિત ન રાખતા તેને સતત પરિસ્કૃત કરીને સમાજના કલ્યાણ માટે વહેંચવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને પર્યાવરણ-પ્રકૃતિ રક્ષણ ઉચિત યોગદાન આપી માનવીય ગુણોને સતત વિકસિત કરવા પ્રાધાન્ય આપજો. તેમ પણ ઉમેર્યું હતું. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિની હિમાયત કરતા કહ્યું કે, ૧૯૬૦ના દશકમાં જ્યારે હરિત ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે એક એકરમાં ૧૩ કિલોગ્રામની રાસાયણિક ખાતર નાખવા માટેની ભલામણ હતી, પરંતુ આજે રાસાયણિક ખાતરના અંધાધુંધ ઉપયોગથી જમીન સખત અને બિન ઉપજાવ બની રહી છે, સાથે જ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના જમીન અને પાકમાં અતિરેક ભર્યા ઉપયોગથી લોકો ગંભીર રોગોના ભોગ પણ બની રહ્યા છે. તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક રિપોર્ટને ટાંકતા કહ્યું કે, આગામી ૪૦-૫૦ વર્ષ સુધી કૃષિની આ જ સ્થિતિ રહી તો જમીન બિન ઉપજાવ બની જશે. તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી હતી.

રાજ્યપાલએ કહ્યું કે, રાસાયણિક કૃષિથી જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટ્યો છે, એક સમયે ૨.૫ કેટલો ઓર્ગેનિક કાર્બન હતો જે આજે ઘટીને ૦.૫ થી નીચે આવી ગયો છે. આ સ્થિતિમાંથી બહાર આવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિ માટે મિશન શરૂ કર્યું છે, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે. રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે સાચું નેતૃત્વ વિદ્યાર્થીઓએ કરવાનું છે, તેમણે પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોને દેશ અને દુનિયાના કલ્યાણ માટે સતત રિસર્ચ કરવા માટે કરવા અનુરોધ પણ કર્યો હતો. પ્રાકૃતિક કૃષિ પરના રિસર્ચથી પ્રાકૃતિક કૃષિમાં વધુ આયામો જોડાશે અને ખેડૂતોનું કલ્યાણ પણ થશે. આ સાથે તેમણે ગુજરાત સરકાર અને રાજ્યની ચાર યુનિવર્સિટી આ દિશામાં કામ શરૂ કર્યું હોવાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. 

રાજ્યપાલએ પ્રાકૃતિક અને જૈવિક કૃષિના ભેદને સ્પષ્ટ કરતા કહ્યું કે, જૈવિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ અને મહેનત ઘટતી નથી, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં કોઈ ખર્ચ રહેતો નથી, જેવી રીતે જંગલમાં વૃક્ષો વનસ્પતિનો વિકાસ થાય છે તે જ રીતે પ્રાકૃતિક ખેતી કુદરતના નિયમોને અનુસરે છે. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો તથા વૈજ્ઞાનિક સંશોધનો અને તત્વોની છણાવટ કરતા કહ્યું કે, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય અગ્રેસર બનશે અને તેનો સંદેશ સમગ્ર દેશમાં આપશે. તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં કૃષિ જે પરિસ્થિતમાંથી પસાર થઈ રહી છે, તેના પર ચિંતનની આવશ્યકતા છે. ગ્લોબલ વૉર્મિંગ આજે વિશ્વનો સૌથી મોટો પડકાર છે અને હવે તેણે પોતાનું વિનાશક રૂપ બતાવવાનું શરૂ કરી દીધુ છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય બચે છે. તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલએ વીડિયોના માધ્યમથી રાસાયણિક કૃષિથી થતી હાની અને પ્રાકૃતિક કૃષિથી મિત્ર કીટકોમાં વધારો અને વરસાદી પાણીનું જમીનમાં ઉતરી જવું વગેરે પરિણામોનો વિગતવાર ચિતાર આપ્યો હતો.

     ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ કૃષિ યુનિન. સરદાર પટેલ સભાગૃહ ખાતે યોજાયેલ આ દિક્ષાંત સમારંભમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કુલ- ૬૭ ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ તથા ૦૧ (એક) કેશપ્રાઇઝ આપવામાં આવ્યા હતા. તેમજ  કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ-૫૮૮ વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code