1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોલેરાના બાવળિયાળીમાં ભારવાડ સમાજની બહેનોએ હુડો રાસ રમીને સર્જ્યો રેકોર્ડ
ધોલેરાના બાવળિયાળીમાં ભારવાડ સમાજની બહેનોએ હુડો રાસ રમીને સર્જ્યો રેકોર્ડ

ધોલેરાના બાવળિયાળીમાં ભારવાડ સમાજની બહેનોએ હુડો રાસ રમીને સર્જ્યો રેકોર્ડ

0
Social Share
  • રમેશ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા પ્રસંગે યોજાયો કાર્યક્રમ
  • ગોપાલક સમાજની 75000 હજાર કરતા વધુ બહેનો દ્વારા હુડા રાસ રજૂ કરાયો
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાઠવ્યો શુભેચ્છા સંદેશ

અમદાવાદઃ જિલ્લાના  ધોલેરા તાલુકાના બાવળીયાળી ખાતે ભરવાડ સમાજની 7500 બહેનોએ એકસાથે હુડો રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બાવળિયાળી ગામે રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંત નગાલાખા બાપાની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજિત આ ભવ્ય આયોજનમાં આજે ગોપાલક સમાજની 75000 હજાર કરતા વધુ બહેનો દ્વારા હુડા રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળતા તેનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીના હસ્તે પ.પૂ.1008 રામબાપુને અર્પણ કરવામાં આવ્યું હતું.

ભાલ પંથકના સંત નગાલાખા બાપાની જગ્યા બાવળિયાળી ખાતે આવેલા નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થતાં મંદિરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથા સ્વરૂપે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભવ્ય હુડો રાસ અને લાકડી રાસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 70,000થી વધુ મહિલાઓ અને 10,000થી વધુ ગોપાલ ગૃપના ભાઈઓએ ભાગ લઈને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત હૂડો મહારાસ રમીને રેકોર્ડ સર્જ્યો હતો.

ભરવાડ સમાજની ભાતીગળ સંસ્કૃતિનો દુનિયાને પરિચય કરાવતા આ આયોજન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ભરવાડ સમાજની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. એક વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બાવળિયાળી ધામ એ માત્ર એક ધાર્મિક સ્થાન નથી. આ ભરવાડ સમાજ સહિત અનેકો માટે આસ્થા, સંસ્કૃતિ અને એકતાની પ્રતિભૂમિ પણ છે. નગાલાખા ઠાકરની કૃપાથી આ પવિત્ર સ્થાનેથી ભરવાડ સમુદાયને હંમેશા સાચી દિશા, ઉત્તમ પ્રેરણાનો અખૂટ વારસો મળ્યો છે. આ પ્રસંગને લઈને સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારેકોરથી આ કાર્યક્રમની વાહવાહી સાંભળું છું, ત્યારે મને પણ મનમાં એવું થઈ રહ્યું છે કે મારા જેવા વ્યક્તિએ તો તમારી વચ્ચે અત્યારે પહોંચી જવું જોઈએ. પરંતુ પાર્લામેન્ટ ચાલે છે અને ઘણા કામ હોવાથી નીકળી શકાય તેમ નથી. હજારો બહેનોએ પરંપરાગત હૂડો મહારાસ રમ્યો, આ જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે વૃંદાવનને જીવંત કરી દીધું હોય. આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનો મેળ મનને પ્રસન્ન કરી દે છે. આ બધા કાર્યક્રમોની વચ્ચે જે કલાકાર ભાઈઓ-બહેનોએ ભાગ લીધો અને આખાય પ્રસંગને જીવંત બનાવ્યો. આના માટે પણ જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code