સુરતમાં બાઈક સ્લીપ થતાં રોડ પર પટકાયેલા પિતા-પૂત્રને ડમ્પરે અડફેટે લીધા, પિતાનું મોત
- સુરતના પાંડેસરા જીઆઈડીસી નજીક અકસ્માતનો બન્યો બનાવ
 - ડમ્પરે કચડતા પિતાનું ઘટનાસ્થળે મોત, પૂત્રને સામાન્ય ઈજા થઈ
 - પોલીસે ડમ્પરચાલક સામે ગુનોં નોંધી તપાસ હાથ ધરી
 
સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના પાંડેસરા વિસ્તારમાં બન્યો હતો. પાંડેસરા જીઆઇડીસી નજીક બેંક ઓફ બરોડાની સામે બાઇક પર જતા પિતા-પુત્રની બાઇક સ્લીપ થઈ જતાં રોડ પર નીચે પટકાયા હતા. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે પિતાને કચડી નાખતા ગંભીર ઈજાને પગલે તેનું મોત થયું હતું. જ્યારે પુત્રને સામાન્ય ઇજા પહોંચી હતી. આ મામલે પાંડેસરા પોલીસમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૂળ બિહાર જમુઈના વતની અને હાલ ગોડાદરા વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં 45 વર્ષીય રાજુભાઈ બુધેલ શાહ પરિવાર સાથે રહેતા હતા. રાજુભાઇ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. રાજુભાઈને સંતાનમાં બે પુત્ર છે. ગઈકાલે બપોરે રાજુભાઈ પુત્ર રોશન સાથે બાઈક પર કામ અર્થે જતા હતા. દરમિયાન પાંડેસરા જીઆઇડીસી સુચિત્રા કેમિકલ મીલ પાસે આવેલી બેંક ઓફ બરોડાની સામે તેમની બાઇક સ્લીપ થઈ જતા બંને રોડ પર પટકાયા હતા. પુત્ર બાઈક ચલાવતો હતો અને પિતા પાછળ બેઠા હતા. બાઈક સ્લીપ થયા બાદ પાછળથી પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે રાજુભાઈને અડફેટે લઈને ડમ્પરના તોતિંગ વ્હીલ માથા પરથી ફરી વળતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી બેભાન હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી રાજુભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પુત્ર રોશનને સામાન્ય ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે વધુ આગળની તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

