
પહેલગામ હુમલા મુદ્દે કોંગ્રેસે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગણી કરી, ખડગેએ PM મોદીને પત્ર લખ્યો
નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી છે જેથી આતંકવાદ સામે સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિ વ્યક્ત કરી શકાય. પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને પત્ર લખીને આ વિનંતી કરી છે.
આ પત્ર શેર કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે રાત્રે વડા પ્રધાનને પત્ર લખીને વિનંતી કરી હતી કે 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે સામૂહિક ઇચ્છાશક્તિ દર્શાવવા માટે શક્ય તેટલી વહેલી તકે સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવામાં આવે.”
ખડગેએ પત્રમાં કહ્યું છે કે, “આ સમયે એકતા અને એકજૂટતા જરૂરી છે અને આવી સ્થિતિમાં વિપક્ષ માને છે કે સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર શક્ય તેટલી વહેલી તકે બોલાવવું જોઈએ. આ 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે અમારા સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિની મજબૂત અભિવ્યક્તિ હશે. અમને આશા છે કે સત્ર બોલાવવામાં આવશે.”