
- અમદાવાદના નિકોલમાં રહેતો યુવાન યુવતી એક તરફી પ્રેમમાં પડ્યો હતો
- યુવતી ગામડે એક યુવક સાથે જતા તેનો પીછો કર્યો હતો
- બન્ને યુવાનો વચ્ચે મારામારી થતાં એક યવકે બાઈકની ચાવી છાતીના ભાગે મારતા મોત
અમદાવાદઃ શહેરના નિકોલમાં 31 વર્ષીય યુવક એક પરિણીતાના એક તરફી પ્રેમમાં પડ્યો હતો, તે દરમિયાન પરણિત યુવતી ફ્લેટમાં રહેતા પરિચિત હર્ષ નામના વ્યક્તિ સાથે ગામડે જવા નીકળી હતી. તે દરમિયાન પ્રેમી યુવાને યુવકની બાઈકનો પીછો કર્યો હતો. અને રસ્તામાં બંને વચ્ચે બોલાચાલી થતાં યુવકે પ્રેમી યુવાની છાતીના ભાગે બાઈકની ચાવી મારી દેતા યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.પ્રેમી યુવાનના પિતાએ હત્યારા યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના નિકોલ વિસ્તારમાં 31 વર્ષીય ભાવેશ શ્રીમાળી પરિવાર સાથે રહે છે અને ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. ભાવેશ તેના ફ્લેટમાં જ રહેતી પરણિત યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ થઈને ફરતો હતો. યુવતી જ્યાં પણ જાય ત્યારે ભાવેશ તેનો પીછો કરતો હતો. આ વાતની જાણ ફ્લેટમાં રહેતા હર્ષ પરમારને થઇ ગઈ હતી. ગત શનિવારે બપોરે યુવતી ફ્લેટમાં જ રહેતા હર્ષની બાઈક પાછળ બેસીને ગામડે જવા માટે નીકળી હતી. આ વાતની જાણ ભાવેશને થતા શનિવારે બપોરે તેના પિતાને એક કામથી બહાર જઈને આવું છું તેમ કહીને ભાવેશ પોતાનું બાઈક લઈને યુવતીનો પીછો કરવા નીકળ્યો હતો. સોસાયટીથી થોડે આગળ ગેલેક્ષી બંગ્લોઝ પાસે પહોંચતા ભાવેશ અને હર્ષ વચ્ચે ઝઘડો થયો હતો. શા માટે પીછો કરે છે તેમ કહીને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. બોલાચાલી બાદ બંને વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયો હતો. જે દરમિયાન હર્ષે તેના બાઈકની ચાવી કાઢીને ભાવેશને છાતીના ભાગે મારી દેતા ભાવેશ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસના ટોળા એકઠા થઇ જતાં યુવતી અને આરોપી હર્ષ બાઈક લઈને નાસી છુટ્યા હતા.
આ બનાવ બાદ ભાવેશના પિતાને ફોન કરીને તાત્કાલિક સોસાયટીની બહાર આવવાનું કહીને બોલાતા ભાવેશના પિતા આવ્યા ત્યારે તેમનો દીકરો જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. વૃદ્ધ પિતાએ ભાવેશની માતા અને દીકરીને ફોન કરીને બનાવ અંગેની જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભાવેશને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ, હોસ્પિટલમાં ડોક્ટર સારવાર કરે તેની પહેલા જ ભાવેશનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં હર્ષ સામે હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.