
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે સંત પ્રેમાનંદને મળ્યો
નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા મંગળવારે સવારે વૃંદાવન પહોંચ્યા હતા. અહીં તેઓ શ્રી રાધે હિત કેલી કુંજ આશ્રમ ખાતે સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા. આ દરમિયાન, બંનેએ સંત મહારાજ પાસેથી આશીર્વાદ લીધા અને આધ્યાત્મિક ચર્ચામાં ભાગ લીધો હતો. નિવૃત્તિ પછી તેઓ પ્રથમવાર જાહેરમાં દેખાયા હતા. નિવૃત્તિ પછી, તેઓ આધ્યાત્મિક શાંતિની શોધમાં સીધા વૃંદાવન ગયા.
વિરાટે સોમવારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા પોતાની 14 વર્ષની ટેસ્ટ કારકિર્દીનો અંત લાવવાના નિર્ણયની પુષ્ટિ કરી હતી. વિરાટે કહ્યું હતું કે તેણે આ ફોર્મેટમાંથી ઘણું શીખ્યું છે. વિરાટ પહેલાથી જ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે તે ફક્ત વનડેમાં જ રમતા જોવા મળશે. વિરાટ IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો પણ ભાગ છે અને થોડા દિવસો પછી તે RCB ટીમમાં જોડાશે અને ટીમને પહેલીવાર ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરશે.
કોહલી અને અનુષ્કાએ સંત પ્રેમાનંદના આશ્રમમાં સાડા ત્રણ કલાકથી વધુ સમય વિતાવ્યો હતો. બંને સવારે છ વાગ્યાની આસપાસ આશ્રમ પહોંચ્યા અને લગભગ નવ-સાડા નવ વાગ્યે ત્યાંથી નીકળ્યા હતા. આ પહેલી વાર નથી જ્યારે વિરાટ સંત પ્રેમાનંદને મળવા આવ્યો હોય. તેઓ અગાઉ જાન્યુઆરી 2023 માં આ વર્ષે જાન્યુઆરીમાં પણ તેમની મુલાકાતે આવ્યા હતા. હવે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેમણે સંત પ્રેમાનંદ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આ દરમિયાન વિરાટે પૂછ્યું કે નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું? આના પર પ્રેમાનંદે કહ્યું કે અભ્યાસ ચાલુ રાખો.