
- હજુ ચાર દિવસ સુધી ડિમોલિશનની કાર્યવાહી ચાલશે
- મેગા ડિમોલેશનને લીધે અનેક ગરીબ પરિવારો ઘર વિહાણા બન્યા
- પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશને પોલીસની મદદથી આજે ફરીવાર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાધ ધરી છે. પોલીસના કાફલા સાથે 15થી વધુ બુડોઝરથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે કલાકમાં જ 1000થી વધુ નાના મોટા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. અંદાજે 100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો અત્યારે હાલમાં દૂર થઈ ગયા છે. અને ડિમોલિશનની કાર્યવાહી હજુ ચાર દિવસ ચાલશે, આ વિસ્તારમાં સંખ્યાબંદ્ધ કાચા-પાકા મકાનો તોડી પડાતા ગરીબ પરિવારો ઘર વિહોણા બન્યા છે.
શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ-2 ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 6:30 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. ચંડોળા તળાવના મેગા ડિમોલિશનના પહેલા તબક્કાની કામગીરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે હવે બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. સૂર્યનગર પોલીસ ચોકીથી શાહઆલમ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર કહેવાય છે. હાલ તે વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે. બે કલાકમાં જ 1000થી વધુ નાના મોટા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. અંદાજે 100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો દૂર કરાયા છે. આ ડિમોલીશન દરમિયાન ત્રણ હજારથી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. હજુ ચાર દિવસ સુધી આ દબાણ હટાવ કામગીરી અહીં આવશે. કાર્યવાહી પુરી થાય બાદ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે. ડિમોલીશન કાર્યવાહી પૂર્વે ગઈકાલે રાત્રે લોકો છેલ્લી કલાકોમાં પોતાના ઘરો અંધારામાં ખાલી કરતા જોવા મળ્યા હતા.
એએમસીનાસૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઈકથી જાણ કરવામાં આવી હતી કે, 20 મે પહેલા ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે. જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન EWS આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. મકાનો ક્યારે મળશે તે નક્કી નથી હાલ તો ગરીબ પરિવારોનો આશરો છીનવાયો છે.