 
                                    ગુજરાત યુનિ.માં ગુજરાતીના પ્રાધ્યાપકો અંગ્રેજી માધ્યમની ઉત્તરવહીઓ તપાસતા હોવાનો આક્ષેપ
- ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં ધારાધોરણનું પાલન થયપં નથીઃ NSUI
- અંગ્રેજી માધ્યમના પ્રાધ્યાપકોને ગુજરાતી માધ્યમની ઉત્તરવહીઓ તપાસવા આપી છે.
- વિદ્યાર્થીઓને પરિણામમાં અન્યાય થશે તો એનએસયુઆઈ આંદોલન કરશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાશાખાઓ અને સેમિસ્ટરની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હાલ ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગુજરાતી માધ્યમના પ્રાધ્યપકો અંગ્રેજી માધ્યમની ઉત્તરવહીઓ તપાસતા હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે. આ અંગે તપાસ કરીને યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો જનતા રેઇડ કરવાની એનએસયુઆઇએ ચીમકી આપી છે.
ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની વિવિધ સેમિસ્ટરની પરીક્ષાની આન્સરશીટની ચકાસણીમાં ધારાધોરણોનુ પાલન ન થતુ હોવાનો આક્ષેપ એનએસયુઆઈએ કર્યો છે. વિદ્યાર્થી સંગઠન આ મુદ્દે યુનિવર્સિટીમાં રજૂઆત કરશે અને તપાસની માગણી કરી યોગ્ય પગલા લેવા માટે રજૂઆત પણ કરશે. એનએસયુઆઇએ એવી ચીમકી પણ આપી છે કે જો પગલાં નહીં ભરાય તો જનતા રેઇડ કરવામાં આવશે.
યુવક કોંગ્રેસના પ્રવક્તા ડો.સુબ્હાન સૈયદે જણાવ્યું કે, ‘ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજોમાં સ્નાતક કક્ષાની કોમર્સ, આર્ટસ, સાયન્સ વિદ્યાશાખાની સેમિસ્ટર 2, 4, 6 તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલની સાયન્સ, કોમર્સ. આર્ટસ સહિતની વિદ્યાશાખાની સેમિસ્ટર-2, 4ની પરીક્ષા તાજેતરમાં પૂરી થઈ ગઈ છે. કેટલીક વિદ્યાશાખાની પરીક્ષાઓની આન્સરશીટની ચકાસણી પૂરી થઈ ગઈ છે, જ્યારે અન્ય કેટલીક શાખામાં ચકાસણી પૂર્ણતાને આરે છે. ગુજરાતી માધ્યમના અધ્યાપકોને અંગ્રેજી માધ્યમની આન્સરશીટની ચકાસણીની જવાબદારી સોંપાઈ છે, જ્યારે અંગ્રેજી માધ્યમના અધ્યાપકોને ગુજરાતી આવડતું ના હોવા છતાં તેમને ગુજરાતી માધ્યમની આન્સરશીટની ચકાસણીનું કામ સોંપાયું છે આનાથી વિદ્યાર્થીઓને અન્યાય થશે એવો ડર છે. અંગ્રેજી માધ્યમની આન્સરશીટ અંગ્રેજીના પ્રાધ્યાપકો અને ગુજરાતી માધ્યમની ચકાસણી ગુજરાતીના પ્રાધ્યાપકોને જ આપવી જોઈએ.તેવી એનએસયુઆઈની માગ છે.
એનએસયુઆઈ અને યૂથ કોંગ્રેસે એલએલએમ સેમિસ્ટર-1ની પરીક્ષાની આન્સરશીટના છબરડાને આરટીઆઈ દ્વારા ઉજાગર કર્યો હતો.વિદ્યાર્થી સંગઠનના જણાવ્યા મુજબ થોડાક સમય પહેલા આ પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ઇરાદાપૂર્વક આન્સરશીટમાં પ્રશ્નોના જવાબ ખરાબ અક્ષરોમાં અને ના વાંચી શકાય તે રીતે લખ્યા હતા. આ વિદ્યાર્થીને ઝીરો માર્કસ મળવાપાત્ર હતા, પરંતુ આ વિદ્યાર્થીને 57 માર્કસ આપી દેવાયા હતા. ગુજરાત યુનિવર્સિટી સમક્ષ આરટીઆઈ હેઠળ મંગાયેલ વિગતોમાં આ બાબત બહાર આવી હતી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

