 
                                    - મુંબઈથી અમદાવાદ જતી ટ્રકે પલટી ખાધી
- હાઈવે ખૂલ્લો કરાવવા માટે ક્રેઈન મંગાવવી પડી
- હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી
વલસાડઃ જિલ્લાના પારડી તાલુકા નજીક નેશનલ હાઇવે નં. 48 પર મુંબઈથી અમદાવાદ જઈ રહેલી કપાસની ગાંસડી ભરેલી એક ટ્રક પલટી મારી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને હળવો કરવા અને ટ્રકને ખસેડવા માટે બે જેસીબી અને બે ક્રેન મંગાવવી પડી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, પારડી નજીક નેશનલ હાઈવે પર મુંબઈથી કપાસ ભરીને અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રક નંબર GJ-27-G-9132ના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રકમાં કપાસની ગાંસડી ભરેલી હતી જે પલટી બાદ હાઇવેની બંને બાજુ ફેલાઈ ગઈ હતી. ટ્રક પલટી મારીને રસ્તા પર જ અટવાઈ જતાં હાઈવે બ્લોક થઈ ગયો હતો. અને વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આ બનાવની જાણ થતાં પારડી પોલીસ અને હાઇવે પેટ્રોલિંગ ટીમ તત્કાળ સ્થળ પર પહોંચી ગઈ હતી. અધિકારીઓએ બે JCB અને બે ક્રેન બોલાવી ટ્રકને સાઇડમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. કલાકો સુધી ચાલેલી કામગીરી બાદ ટ્રાફિક યથાવત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, પોલીસ દ્વારા સર્વિસ રોડ મારફતે વાહનોને ડાયવર્ટ કરી ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરાયો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ટ્રકનો ડ્રાઈવર ઘટનાના થોડા સમય પછી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. જેમાં જોઇ શકાય છે કે, ટ્રક બે ત્રણ વાર ગોથા ખાઇને ડિવાઇડર બાજુ ઊંધી વળી જાય છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

