 
                                    - દાલમિલ રોડ પર સરકારી આવાસ યોજનામાં 7 દિવસે અપાતું પાણી
- વઢવાણના ધોળીપોળ, શિયાણીપોળ સહિત અનેક વિસ્તારોમાં 5 દિવસે અપાતું પાણી,
- નાગરિકો રજુઆત કરે છે, છતાયે નિયમિત પાણી પુરવઠો અપાતો નથી
સુરેન્દ્રનગરઃ શહેર નજીક આવેલો ધોળીધજા ડેમ સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાય છે. નર્મદાના પાણી ધોળીધજા ડેમમાં ઠાલવીને સૌરાષ્ટ્રભરમાં પહોંચાડવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણી વિતરણની ખામીને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. શહેરના દાળમિલ રોડ પરની આવાસ યોજના સહિત વિસ્તારમાં તેમજ વઢવાણના અનેક વિસ્તારોમાં નિયમિત પાણી પુવઠો આપવામાં ન આવતા ફરિયાદો ઊઠી છે.
સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઊઠી છે. શહેરના દાળમિલ રોડ વિસ્તારમાં તેમજ આવાસ યોજનાના મકાનોમાં છેલ્લા ઘણા સમયથી સમ્પમાં પાણી અનિયમિત આવતું હોવાની ફરિયાદો સાથે રહીશો મ્યુનિની કચેરીમાં દોડી આવ્યા હતા અને લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી.શહેરના દાલમિલ વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજનામાં 700થી વધુ ઘર આવેલા છે જેમાં 3000થી વધુ લોકો વસવાટ કરે છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં અને આખી આવાસ યોજનામાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આવાસ યોજનામાં પાણી નિયમિત નહીં આવતું હોવાની સમસ્યા છે. તેમજ ઘરમાં પાણી નહીં આવતું હોવાથી સમ્પ સુધી ભરવા જવું પડતું હોવાની રજૂઆત રહીશોએ કરી હતી. સાથે જ પહેલાં 3-4 દિવસે આપવામાં આવતું પાણી હવે ક્યારેક 6 દિવસે તો ક્યારેક 7 દિવસે આપવામાં આવે છે. આથી સમગ્ર આવાસ યોજનાના રહીશો મ્યુનિ. કચેરીએ ધસી ગયા હતા અને પાણી આપવાની માગ સાથે રજૂઆત કરી હતી. જો પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી..
આ ઉપરાંત વઢવાણના ધોળીપોળ, શિયાળીપોળ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મ્યુનિ. તંત્ર દ્વારા એકાંતરે આપવામાં આવતું પાણી પાંચ દિવસે વિતરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે મહિલાઓ સહિત સ્થાનિક રહિશોને હાલાકી પડી રહી છે. આ મામલે અનેક વખત મ્યુનિને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓ સહિત લોકો પાણી વિતરણના સંપ પર એકત્ર થયા હતા અને પાણીની સમસ્યા મુદ્દે હોબાળો મચાવ્યો હતો. આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

