1. Home
  2. ગુજરાતી
  3. UN: રશિયાના રાજદૂતે ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાઓની નિંદા કરી
UN: રશિયાના રાજદૂતે ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાઓની નિંદા કરી

UN: રશિયાના રાજદૂતે ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાઓની નિંદા કરી

0
Social Share

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂતે ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાઓની નિંદા કરી અને પશ્ચિમી સુરક્ષા પરિષદના સભ્યો પર બેવડા વલણનો આરોપ લગાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના કાયમી પ્રતિનિધિ, વાસિલી નેબેન્ઝ્યાએ સુરક્ષા પરિષદની એક કટોકટી બેઠકમાં જણાવ્યું હતું કે અમેરિકાએ ત્રણ ઈરાની પરમાણુ સ્થળો પર કોઈ ઉશ્કેરણી વિના મિસાઈલ અને બોમ્બ હુમલા કર્યા છે, જે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ની દેખરેખ હેઠળ હતા. તેમણે આ હુમલાઓને ‘બેજવાબદાર, ખતરનાક અને ઉશ્કેરણીજનક’ ગણાવ્યા અને તેની સખત નિંદા કરી હતી.

તેમણે કહ્યું કે આ એક સાર્વભૌમ દેશ પર હુમલો છે. રશિયાએ કહ્યું કે અમેરિકાએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયના અભિપ્રાયની અવગણના કરી છે અને તેના ઇઝરાયલી સાથીના હિત માટે, હજારો પેલેસ્ટિનિયન મહિલાઓ, બાળકો અને વૃદ્ધોના મૃત્યુ પર આંખ આડા કાન કર્યા છે, તેમજ સમગ્ર માનવતાની સુરક્ષાને પણ જોખમમાં મૂકી છે. નેબેન્ઝ્યાએ ચેતવણી આપી હતી કે આ હુમલાઓએ પરમાણુ કિરણોત્સર્ગનો ખતરો ઉભો કર્યો છે, જે પ્રદેશ અને તેનાથી આગળ મોટી સંખ્યામાં સામાન્ય લોકોના જીવન અને આરોગ્યને જોખમમાં મૂકે છે. તેમણે કહ્યું કે અમેરિકાએ એકપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરબંધારણીય પગલાંઓની ખતરનાક શ્રેણી શરૂ કરી છે જેના પરિણામો અજાણ છે.

નેબેન્ઝિયાએ કહ્યું કે અમેરિકા પોતાને સર્વોચ્ચ ન્યાયાધીશ માને છે અને પોતાની ઇચ્છા મુજબ ન્યાય આપે છે. વૈશ્વિક સર્વોચ્ચતા જાળવી રાખવા માટે, તે કોઈપણ ગુનો કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયનો કોઈ પણ સમજદાર સભ્ય હવે અમેરિકાના સાથીઓ પર વિશ્વાસ કરશે નહીં. રશિયન રાજદૂતે સુરક્ષા પરિષદના પશ્ચિમી દેશો પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તે વિડંબના છે કે IAEA ની દેખરેખ હેઠળ રહેલા ઈરાન પર હુમલો કરવામાં આવે છે, જ્યારે ઇઝરાયલ, જેણે પરમાણુ અપ્રસાર સંધિ (NPT) પર હસ્તાક્ષર કર્યા નથી, તેને પડકારવામાં આવતો નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code