1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર
સુરતમાં મ્યુનિ. કોર્પોરેશન  દ્વારા દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

સુરતમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

0
Social Share
  • સોલાર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ,
  • Wi-Fi, ચાર્જિંગ અને લાઈટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ સ્ટેન્ડ,
  • વાર્ષિક 1 લાખ યુનિટ વીજઉત્પાદન થશે

સુરત:  સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ. 1.60  કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ સુરતનું નવું નજરાણું બનશે. 100 કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે.

દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZ (Deutsche Gesellschaft für Internationale Zusammenarbeit)ના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24*7 ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે Wi-Fi અને લાઈટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

આ વિષે વધુ વિગત આપતા લાઇટ એન્ડ એનર્જી એફિસેસિસ સેલના કાર્યપાલક ઇજનેર પ્રકાશ પંડ્યાએ જણાવ્યું હતું કે, સુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે. અંદાજિત રૂ. 1.60 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થા GIZના સહકારથી અમલમાં મૂકાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ અંતર્ગત દિવસ દરમિયાન સૌર ઊર્જાથી જનરેટ થતી વીજળી સેકન્ડ લાઈફ બેટરીમાં સંગ્રહિત થાય છે. રાત્રિ દરમિયાન ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. પરિણામે ગ્રીડ પરનો ભાર ઘટે છે અને નવીનીકરણીય ઊર્જાનો વધુ પડતો ઉપયોગ શક્ય બન્યો છે. આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ જણાવતા તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રિક બસ ડેપો થકી વાર્ષિક અંદાજે 1 લાખ વીજ યુનિટનું ઉત્પાદન થશે અને આશરે રૂ.6.65  લાખની ઊર્જા બચત થશે. એટલે પર્યાવરણીય દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ ન માત્ર સુરત શહેર માટે પરંતુ સમગ્ર દેશ માટે શ્રેષ્ઠ ઉદાહરણરૂપ બનશે.
તેમણે કહ્યું કે, “આ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટને ગ્રીન અને સસ્ટેનેબલ બનાવવાનો પ્રયાસ છે. હાલ જે વપરાયેલી બેટરીઓને ફરી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. એ વસ્તુઓનો પુનઃઉપયોગ કરીને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ છે. જેથી આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ સમાન સાબિત થશે. સુરત મહાનગરપાલિકા તરફથી નેટ ઝીરો એનર્જી અને સસ્ટેનેબલ એનર્જી માટેના લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી બનશે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code