
ચેન્નાઈઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ચેન્નાઈમાં IIT મદ્રાસના 62મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂર વિશે પણ વાત કરી હતી. અજિત ડોભાલે ઓપરેશન સિંદૂરની સફળતાનું પણ વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમને આ કામગીરી પર ગર્વ છે. 9 લક્ષ્યો સિવાય, અમે ઓપરેશન સિંદૂર હેઠળ બીજે ક્યાંય હુમલો કર્યો નથી.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું હતું કે, અમે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિર્ણય લીધો છે. અમને અમારા ઓપરેશન સિંદૂર પર ગર્વ છે. અમારા નિશ્ચિત 9 લક્ષ્યો સિવાય, અમે બીજે ક્યાંય હુમલો કર્યો નથી. હુમલાઓ ચોક્કસ હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, “ભલે તે અમારું બ્રહ્મોસ હોય કે રડાર, બધા સ્વદેશી હતા”.
અજિત ડોભાલે દીક્ષાંત સમારોહમાં ઓપરેશન સિંદૂર પર રિપોર્ટિંગ કરવા બદલ વિદેશી મીડિયા પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, વિદેશી મીડિયાએ કહ્યું હતું કે પાકિસ્તાને આ કર્યું છે અને તે કર્યું છે. તમે મને એક પણ ફોટો બતાવો જેમાં કોઈપણ ભારતીય ઇમારતને કોઈ નુકસાન થયું હોય. તેમણે આ વસ્તુઓ લખી અને આગળ મૂકી. આપણે આપણી સ્વદેશી ટેકનોલોજી વિકસાવવી પડશે. ઓપરેશન સિંદૂરની સમગ્ર કામગીરીમાં 23 મિનિટનો સમય લાગ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ નિઃશસ્ત્ર લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ પછી, ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ, પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમને નષ્ટ કરવામાં આવ્યા હતા. આ પછી, પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો.