
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા દળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સરહદ પર સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવીને બે આતંકવાદીઓને ઠાર માર્યાં હતા.
મળતી માહિતી મુજબ, જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સરહદ પર તૈનાત સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા દળોનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પર પૂંછ જિલ્લામાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સ્થિત દિગવાર સેક્ટરમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. શંકાસ્પદ ગતિવિધિઓ જોયા બાદ સતર્ક સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ પણ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન શિવશક્તિ હેઠળ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. ભારતીય સેનાના સતર્ક સૈનિકોએ નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ઝડપી કાર્યવાહી અને સચોટ ગોળીબારથી તેમના નાપાક ઇરાદા નિષ્ફળ ગયા છે. તેમજ તેમની પાસેથી ત્રણ હથિયારો મળી આવ્યા છે.