
- 12 વિદ્યાશાખાઓના 92 અભ્યાસક્રમોના 40,745 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત,
- ધર્મ એટલે પોતાના માટે જે સારૂ ઈચ્છો તેવું જ બીજાના માટે ઈચ્છોઃ રાજ્યપાલ,
- 57 વિદ્યાર્થીઓને પી.એચડીની પદવી એનાયત
સુરતઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 57મા પદવીદાન સમારોહના દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને મહામૂલી શીખ આપતા જણાવ્યું કે ‘વાદળ જેમ વર્ષારૂપે વરસીને ધરતીની તરસ છીપાવે છે તેવી જ રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની તરસ સંતોષવી જોઈએ. ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે જ વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવા, પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવનમાં વણી લેવા જોઈએ..
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે 12 વિદ્યાશાખાઓના 92 અભ્યાસક્રમોના 40.745 યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, 57 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની પદવી એનાયત થઈ હતી. સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના 11 ઋષિકુમારોએ શંખનાદ અને 10 ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद, धर्मं चर, स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.
સત્યવાદી અને કર્મવાદી નિર્ભય હોય છે, ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી એમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યું કે, અસત્યનો પહાડ ભલે ગમે તેટલો વિશાળ હોય પરંતુ સત્ય તે પહાડને ધરાશાયી કરે જ છે. ધર્મ એટલે પોતાના માટે જે સારૂ ઈચ્છો તેવું જ બીજાના માટે ઈચ્છો. સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે. ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ સર્વજનકલ્યાણ માટે ઉપયોગી બને તેવા સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપવું જોઈએ. સાથે જ ‘માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ:’ ના આપણા સંસ્કૃતિભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. વિદ્યાર્થીઓએ વીર કવિ નર્મદના પ્રેરણાવાક્ય ‘ડગલું ભર્યું તે ના હઠવું, ના હઠવું..’માંથી શીખ લઇ નિરાશાને ખંખેરી નવી ઉર્જા સાથે અવિરત કર્મ કરવું જોઈએ.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડાએ વીર નર્મદ યુનિવસિર્ટી શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન બની છે અને શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી શિક્ષણક્ષેત્રે નવા આયામો સર કર્યા હોવાનું જણાવી રાજ્યપાલ, મંત્રીને આવકાર્યા હતા.