
મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે યુક્રેનમાં જો પશ્ચિમી દેશોના સૈનિકો તૈનાત કરવામાં આવશે તો તેઓ રશિયન હુમલાનું લક્ષ્ય બનશે. આ નિવેદન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના તાજા નિવેદન પછી આવ્યું છે. મેક્રોને જણાવ્યું હતું કે 26 દેશોએ યુદ્ધ પછી યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવા સંમતિ આપી છે, જેમાં ભૂમિ સૈન્ય, નૌકાદળ અને હવાઈ દળનો સમાવેશ થાય છે.
રશિયા લાંબા સમયથી દલીલ કરતું આવ્યું છે કે યુક્રેન યુદ્ધનું એક મુખ્ય કારણ પશ્ચિમ તરફથી યુક્રેનને નાટો સભ્યપદ આપવાનું અટકાવવું અને તેની જમીન પર પશ્ચિમી સૈનિકોને તૈનાત થવાથી રોકવું હતું. યુક્રેન ભવિષ્યના કોઈપણ હુમલાથી પોતાને સુરક્ષિત રાખવા માટે પશ્ચિમી દેશોના મજબૂત ટેકાની માંગણી કરી રહ્યું છે. ફ્રાન્સ અને બ્રિટને સંકેત આપ્યો છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી તેઓ યુક્રેનમાં સૈનિકો તૈનાત કરવા તૈયાર છે.
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા જમીન પર સૈનિકો નહીં મોકલે, પરંતુ જરૂરી બનશે તો હવાઈ દળની સહાય પૂરી પાડશે. પુતિને વધુમાં કહ્યું હતું કે, માત્ર યુક્રેન માટે જ નહીં પરંતુ રશિયા અને યુક્રેન બંને માટે સુરક્ષા ગેરંટી સુનિશ્ચિત થવી આવશ્યક છે.