
ન્યૂયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠકમાં પાકિસ્તાન અને ઇઝરાઇલના પ્રતિનિધિઓ વચ્ચે કટુ વાદવિવાદ થયો હતો. કતારમાં હમાસના નેતાઓને નિશાન બનાવીને કરાયેલા ઇઝરાયલી હવાઈ હુમલાની પાકિસ્તાને કડક નિંદા કરી અને તેને પ્રાદેશિક સ્થિરતા માટે ખતરો ગણાવ્યો હતો. ઇઝરાયલી પ્રતિનિધિએ પાકિસ્તાનને આતંકવાદ અંગે આઈનો બતાવી આકરા પ્રહાર કર્યાં હતા. આ બેઠકનું આયોજન અલ્જીરિયા, પાકિસ્તાન અને સોમાલિયાના અનુરોધ પર થયું હતું, જેને ફ્રાન્સ અને બ્રિટનનું સમર્થન મળ્યું હતું. પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહમદે જણાવ્યું કે કતાર પરનો હુમલો બેશરમ, ગેરકાયદેસર અને કતારની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. તેમણે આ હુમલાને યુએન ચાર્ટરના આર્ટિકલ 2(4)નો ભંગ ગણાવ્યો હતો.
ચર્ચા દરમિયાન ઇઝરાયલી રાજદૂતે પાકિસ્તાનને જ ઉદાહરણ તરીકે પેશ કરતાં કહ્યું, “જ્યારે ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં મરાયો ત્યારે કોઈએ પ્રશ્ન નહોતો કર્યો કે વિદેશી ભૂમિ પર આતંકવાદીને કેમ નિશાન બનાવાયો, પ્રશ્ન એ હતો કે તેને આશરો કેમ આપવામાં આવ્યો. આજેય એ જ પ્રશ્ન પુછાવાનો છે,હમાસને કોઈ છૂટ નથી મળી શકતી.” પાકિસ્તાનના પ્રતિનિધિ અહમદે આ તુલનાને હાસ્યાસ્પદ ગણાવી રદ કરી અને આરોપ મૂક્યો કે ઇઝરાયલ આંતરરાષ્ટ્રીય કાનૂનના ઉલ્લંઘન પરથી ધ્યાન હટાવવા પ્રયત્ન કરી રહ્યું છે. તેમણે આતંકવાદ સામેની લડતમાં પાકિસ્તાનની ભૂમિકા દર્શાવી પોતાને જ “પીડિત” ગણાવ્યું હતું.
ઇઝરાયલે ફરી પાકિસ્તાનને ઘેરતા કહ્યું, “સાચાઈ એ છે કે બિન લાદેન પાકિસ્તાનમાં હતો અને ત્યાં જ મારવામાં આવ્યો હતો. 9/11 એક સત્ય છે જેને બદલી શકાય તેમ નથી. જ્યારે અમેરિકા એ કાર્યવાહી કરી ત્યારે કોઈએ તેની નિંદા નહોતી કરી. આજે પણ આતંકવાદીઓને મારવા માટે બીજા દેશો પર પ્રશ્નો ઉઠવા જોઈએ નહીં.” ઇઝરાયલના પ્રતિનિધિએ અંતમાં સ્પષ્ટ કર્યું કે તેમના નિવેદનો તથ્ય પર આધારિત છે અને પાકિસ્તાનને પોતાના દેશ પર લાગુ પડતા ધોરણો ઇઝરાયલ માટે પણ વિચારવા જોઈએ.