
નવી દિલ્હીઃ દિવાળી અને છઠ્ઠ જેવા મોટા તહેવારો નજીક આવતા દેશભરના લોકોમાં પોતાના ઘેર પરત જવાની અને રજાઓ મનાવવાની ઉત્સુકતા વધતી જઈ રહી છે. ઓફિસોમાંથી રજા લઈને લોકો માત્ર પરિવાર સાથે સમય વિતાવવા જ નહીં, પરંતુ પ્રવાસ અને ધાર્મિક સ્થળોની મુલાકાત માટે પણ નીકળી રહ્યા છે. વધતી પ્રવાસ માંગનો સીધો અસર હવે હવાઈ ભાડાં અને હોટેલ બુકિંગ્સ પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
જાણીતા રૂટ્સ પર ફ્લાઇટ ટિકિટના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે હોટેલ રૂમની માંગમાં પણ ગયા વર્ષની તુલનાએ 20 થી 25 ટકાનો વધારો નોંધાયો છે. ટ્રાવેલ એજન્સીઓ મુજબ, હૈદરાબાદથી નાગપુર અને કોલકાતા જતી ફ્લાઇટોના ભાવમાં ખાસ ઉછાળો આવ્યો છે. સામાન્ય દિવસોમાં જ્યાં ટિકિટ રૂ. 4,500 થી 6,500 વચ્ચે મળતી હતી, ત્યાં હવે તે રૂ. 11,500 થી 16,500 સુધી પહોંચી ગઈ છે.
તહેવારો પહેલાં ડીજીસીએએ એરલાઈન્સને વધતી માંગને પહોંચી વળવા માટે વધારાની ફ્લાઇટો શરૂ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ ઇન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસજેટ જેવી મોટી એરલાઈન્સે મળીને અંદાજે 1,700 નવી ફ્લાઇટો શરૂ કરવાની જાહેરાત કરી હતી. ડીજીસીએ દ્વારા ટિકિટ દર અને ફ્લાઇટ ઓપરેશન્સ પર સખત નજર રાખવામાં આવી રહી છે, તેમ છતાં ભાડાંમાં સતત વધારો થઈ રહ્યો છે.
એવિએશન નિષ્ણાતો મુજબ, આ ભારે વધારો માગ વધારે અને સીટ્સ મર્યાદિત હોવાના કારણે છે. તહેવારો દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી અને મુંબઈ તરફ મુસાફરી કરનારા લોકોની સંખ્યા બહુ વધી જાય છે. એરલાઈન્સ ડાયનામિક પ્રાઇસિંગ સિસ્ટમ હેઠળ ભાડાં નક્કી કરે છે, જેમાં ટિકિટનો ભાવ સીટની ઉપલબ્ધતા અને માંગના આધારે આપોઆપ વધે છે. જેટલી વધુ સીટ્સ ભરાય, બાકીની સીટ્સના ભાવ તેટલા વધે છે. તહેવારોમાં મુસાફરોની ભીડને જોતા એરલાઈન્સ મહત્તમ કમાણી માટે ભાડાં ઊંચા રાખે છે. જો હવાઈ ભાડાં પર નિયંત્રણ ન મૂકવામાં આવે, તો આવી સ્થિતિ દર વર્ષે જોવા મળશે.