નવી દિલ્હી: ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલ સંજય વાત્સાયને જણાવ્યું છે કે, દેશની નૌસેના “ઓપરેશન સિંદૂર” માટે સંપૂર્ણ રીતે તૈયાર અને તહેનાત છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, “ભારતની વ્યૂહરચના અને યોજનાઓમાં કોઈ વિક્ષેપ નથી. ઓપરેશન સિંદૂર માટે અમે પૂરી રીતે તૈયાર છીએ. અન્ય યોજનાઓ, તાલીમ અભ્યાસો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી પણ યથાવત રહેશે.”
વાત્સાયને વધુમાં કહ્યું કે હિંદ મહાસાગર વિસ્તારમાં વિદેશી જહાજોની ઉપસ્થિતિ છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે. “આ પહેલાથી ચાલતું હતું, પરંતુ હવે વધુ તેજીથી વધારો થયો છે. હાલમાં હિંદ મહાસાગરમાં લગભગ 40 થી 50 વિદેશી જહાજો સક્રિય છે, પરંતુ ભારતીય નૌસેના દરેક જહાજ પર નજર રાખી રહી છે. અમને ચોક્કસ ખબર છે કે કોણ ક્યારે આવે છે અને જાય છે.”
વાઈસ એડમિરલના જણાવ્યા મુજબ, હિંદ મહાસાગર વિશ્વ માટે તેલ અને કાર્ગો પરિવહનનો મુખ્ય માર્ગ છે, જ્યાં દરિયાઈ ચોરી, માનવ તસ્કરી અને નશીલા પદાર્થોની હેરાફેરી જેવા પડકારો સતત ઊભા રહે છે. તેમણે કહ્યું કે, “નૌસેના દરેક પરંપરાગત અને બિનપરંપરાગત ખતરાનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.” વાત્સાયને જણાવ્યું કે આ વર્ષે નૌસેનામાં અત્યાર સુધી 10 નવા જહાજો અને એક સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડિસેમ્બર સુધી ચાર વધુ જહાજો જોડાશે. “આવતા વર્ષે 19 અને તે પછીના વર્ષે 13 નવા જહાજો નૌસેનામાં જોડાશે, જેના કારણે ભારતીય નૌકાદળની ક્ષમતા વધુ મજબૂત બનશે,” એમ તેમણે જણાવ્યું.
વાઈસ એડમિરલે વધુમાં જણાવ્યું કે આવનારા આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ અને “મિલાન” કવાયતમાં અમેરિકા અને રશિયા બંને દેશોએ ભાગ લેવાની પુષ્ટિ આપી છે. બંને દેશો પોતાના જહાજો અને કેટલાક વિમાનો મોકલશે, જે ભારતની આંતરરાષ્ટ્રીય ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.


