ચીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા ગુપ્ત પરમાણુ પરીક્ષણના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને સાથે જ અમેરિકાને એક ખાસ અપીલ પણ કરી છે. ચીનનું કહેવું છે કે તેણે ક્યારેય પરમાણુ પરીક્ષણો અંગે આપેલું વચન તોડ્યું નથી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ફરીથી પરમાણુ હથિયારોના પરીક્ષણ શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન, ચીન અને રશિયા જેવા દેશો આવી પરીક્ષણો કરી રહ્યા છે. ટ્રમ્પના આ નિવેદન પર ચીનના વિદેશ મંત્રાલયે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ચીનની વિદેશ મંત્રાલયની પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે બેઇજિંગે દાયકાઓથી ચાલી આવતી પરમાણુ પરીક્ષણ પરની અનૌપચારિક રોકનું ઉલ્લંઘન ક્યારેય કર્યું નથી. તેમણે કહ્યું કે ચીન આત્મરક્ષાત્મક પરમાણુ નીતિ પર અડગ છે અને પરીક્ષણો પરના પ્રતિબંધનું પાલન કરે છે. માઓ નિંગે વધુમાં ઉમેર્યું કે “ચીને પરમાણુ પરીક્ષણ સ્થગિત રાખવાની પોતાની પ્રતિબદ્ધતાનું હંમેશા પાલન કર્યું છે.”
માઓએ કહ્યું કે ચીન એક જવાબદાર પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે અને શાંતિપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ચીન “પરમાણુ હથિયારોનો પહેલો ઉપયોગ ન કરવો” જેવી નીતિ પર અડગ છે અને આત્મરક્ષાત્મક વ્યૂહરચના અનુસરે છે. સાથે જ માઓ નિંગે અમેરિકા સામે અપીલ કરી કે તે પણ પરમાણુ પરીક્ષણ સ્થગિત રાખવાની પ્રતિબદ્ધતાને જાળવી રાખે. તેમણે આશા વ્યક્ત કરી કે અમેરિકા આંતરરાષ્ટ્રીય પરમાણુ નિરસ્ત્રીકરણ અને અપ્રસારના પ્રયત્નોને મજબૂત બનાવવા માટે પગલા ભરે અને વૈશ્વિક વ્યૂહાત્મક સંતુલન જાળવવા દિશામાં કાર્ય કરે. ચીને સ્પષ્ટ કર્યું કે તે વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ (CTBT)નું સમર્થન કરે છે અને અમેરિકા પણ આ સંધિ હેઠળના પોતાના દાયિત્વોનું પાલન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.


